24 - આગ સાથે પારો /શૂન્ય પાલનપુરી


દુઃખનો છે દિલ સહારો, દિલનો છે દુઃખ સહારો,
જીવનને આવડે છે કરતાં હવે ગુજારો.

મંઝિલની ક્યાંક છાયા તો ક્યાંક છે ઉતારો !
એવાં તો સાધનો છે અવરોધનાં હજારો.

વ્યાકુળ કરે છે અંતરની વેદનાનો મારો,
આ તો હૃદય બળ્યું છે કે આગ સાથે પારો ?

ખાધા કરે ઉછાળા લાખો ભલે ને સાગર,
રાખી શકે છે એને કાબૂ મહીં કિનારો.

હું તો કૃપણ ગણું છું ક્યારે નયન કે દિલને,!
એ તો ખરી પડેલાં અશ્રુનો છે લવારો.

આ સ્વાર્થ-સાધુ દુનિયા કાયર ગણે ન તુજને !
આફત ભલે પડે પણ લેજે ન કો સહારો.

પળમાં ઉકેલી નાખું સૌ હર્ષની સમસ્યા,
ગમથી મળે જો મુજને પળવાર છૂટકારો.

નૈરાશ્યના સમુદ્રે એ ડૂબતાને પૂછો,
તરણું છતાં યે આશા આપે છે શું સહારો ?

હે શૂન્ય ! આ પ્રણયનો પણ ખેલ કૈં અજબ છે,
જીતો – કદીક જીતો, હારો – હંમેશ હારો.


0 comments


Leave comment