101 - ખોવા જાઉં છું / શૂન્ય પાલનપુરી


રંગ ને રશ્મિમાં ખોવા જાઉં છું,
દ્રૈત ને અદ્રૈત જોવા જાઉં છું.

કોઈની સન્મુખ રોવા જાઉં છું,
આજ મનનો મેલ ધોવા જાઉં છું.

પ્રેમનું ફરમાન હું ભૂલ્યો નથી,
રોઈને ખુદ આંખ લો’વા જાઉં છું.

સાંભળ્યું છે, હું ગમ્યો છું એમને
આજ મુખ દર્પણમાં જોવા જાઉં છું.

નિજ કવન પર એટલો વિશ્વાસ છે,
હું લખીને હાથ ધોવા જાઉં છું.

શૂન્ય બોલાવે છે કોઈ પ્રેમથી,
જાઉં છું, સર્વસ્વ ખોવા જાઉં છું.


0 comments


Leave comment