94 - વિદાય / શૂન્ય પાલનપુરી


(મારા નાનાભાઈનું જુવાન વયે અકાળે અવસાન મારા માટે બહુ દુઃખદ બીના છે. એ ક્ષયમાં સપડાઈ ગયેલા અને ઘણા પ્રયત્નો છતાં બચી ન શક્યા. એમનું મરણ એટલે વૈજ્ઞાનિક કાળમાં જીવવા માંગતા હિંદ માથે ગરીબીનું મહાલાંછન ! એના પ્રત્યાઘાત રૂપે આ શોક-કાવ્ય એમના શબ પાસે બેસીને લખ્યું છે. એમને પ્રાણ તજ્યા તા. ૭-૨-૧૯૪૯ના સંધ્યાટાણે. દફનવિધિ સવારે નવ વાગ્યે થયો. કાવ્ય લખાયું રાતના ગાળામાં.
મૃત્યુની અનિવાર્યતા હું યે માનું છે અને દ્રઢપણે માનું છું. પણ ક્ષણિક આવેશમાં આ વિચારો સરી પડ્યા છે. એટલું જરૂર છે કે અસમાન સમાજ નીતિએ મૃત્યુની ભયંકરતા વધારી મૂકી છે. એ સમાજસડો દૂર થવાથી મૃત્યુની આ ભયંકરતા ટાળી શકાય, એવી દ્રઢ માન્યતા સાથે આ કાવ્ય લખ્યું છે.)

અલ્વિદા ! હે પ્રાણથી પ્યારા બિરાદર, અલ્વિદા !
અલ્વિદા કહેતાં અમારી જીભ પણ અચકાય છે,
ખંજરો ચાલે છે દિલપર, કાળજું કોરાય છે.

જિંદગી તો બેવફા છે એક સરખી સર્વને !
એટલા ખાતર જગતના ત્યાગની ઈચ્છા કરી ?
ભરજવાનીમાં જવાની કૂચ બેઠા આદરી ?

પારખાં તકદીર તો લેતું હતું કૈં જન્મથી,
હામ પર વારી જનારા આજ પરવારી ગયા ?
મોત સાથે ખેલનારા મોતથી હારી ગયા ?


એ તમારું સ્મિત મોહક ! એ તમારું સૌમ્ય મુખ !
યાદ કરતાં અશ્રુઓ પર અશ્રુઓ ઉભરાય છે,
હાય ! ના હૈયું રહે છે હાથ, ફાટી જાય છે.

લઈ જાશો કાંધે ચઢાવી એ હતા દિલના ઉમંગ,
પણ અરે ! પોતે જ શું કાંધે ચડી ચાલ્યા જશો ?
સાથીઓનો સાથ મૂકી બે કદમ આગળ જશો ?

ભાઈ, ભાભી, માત, પત્ની, કોઇથી ફાવ્યું નહીં ?
ના વિચાર્યું શી દશા સૌની થશે ઘર છોડતાં?
જીવ શેં ચાલ્યો તમારો એમને તરછોડતાં ?

સૌ કહે છે ખોટ પૂરી ઈશના દરબારની !
ખોડ પાડી ખોટ પૂરી એ તો ક્યાંની રીત છે ?
સૌ મરે તમ કાજ ઝૂરી એ તો ક્યાંની રીત છે ?

પણ અરે ! આ શું કરું છું એટલો શાને વિલાપ ?
વ્યર્થ સૌ નિ:શ્વાસ છે ને વ્યર્થ અશ્રુપાત છે,
જન્મ સાથે મોતનું બંધન સનાતન વાત છે.

મોત ! શાનું મોત ? કોનું મોત ? સૌ જાણું છું હું !
ભોગ લેનારું ગરીબીનું જ એ ખપ્પર હતું,
ભીંસનારું ભાગ્યને એક કાળનું ચક્કર હતું.

લાશ સામે છે હજારો લાશ મુજ અરમાનની,
જિંદગી પરથી ગરીબીને ફગાવી ના શક્યો !
શક્યતા હોવા છતાં તમને બચાવી ના શક્યો !

માફ કરજો ! માફ થાવા જો કે હું લાયક નથી,
જાનથી જાવું પડ્યું તમને એ દિલપર દાગ છે !
એનો ગમ ખાધો છે કિંતુ એ ભભકતી આગ છે !

જે ગરીબી રક્ત ચૂસી જિંદગી ભરખી ગઈ;
એ ગરીબી સાવ છટકી જાય એ દિવસ ગયા !
વેર સામે વેર ના લેવાય એ દિવસ ગયા !

હાથ રાખી લાશ પર સોગંદ લઉં છું આજ હું,
અવનિ પર એ કાળમુખી શોધતાં જડશે નહિ !
ના બને તો જન્મફેર પણ કદી ટળશે નહિ !

ચીર નિદ્રામાં ખલેલ હું પાડવા ચાહતો નથી,
જાઓ ફત્તેહ* શૂન્યમાં કરજો સુખે ઘર, અલ્વિદા !
અલ્વિદા ! હે પ્રાણથી પ્યારા બિરાદર, અલ્વિદા !


* એમનું નામ ફત્તેહખાન હતું.


0 comments


Leave comment