67 - ખેલ છે / શૂન્ય પાલનપુરી


પ્રેમને પામી ગયો છું , રૂપને સમજેલ છે,
મોત મારે મન રમત છે, જિંદગી પણ ખેલ છે.

છું સફળ કે સર્વ નિષ્ફળતાને વશ કીધેલ છે,
હાર પામીને વિજયનો સાર મેં દીધેલ છે.

જિંદગીપંથે ચઢી મેં એટલું જાણેલ છે,
એને જો મુશ્કેલ સમજો તો જ એ મુશ્કેલ છે.

જોઉં છું ના કાંઈ અંતર અંત ને આદિ મહીં,
કોની આંખોથી મદિરા એવી મેં પીધેલ છે ?

પુષ્પ છે, ઝાકળનાં બિન્દુ છે અને કાંટાય છે,
આંખ શું છે ? આખું ઉપવન એ મહીં સર્જેલ છે.

શ્વાસ હિચકી લે અમસ્તી એ બની શકતું નથી,
કોઈની તે યાદ છે જે અર્ધમાં અટકેલ છે.

પાણી સંયમ પર ફરી વળવા ન પામે એટલે,
આંખમાં આવે તે પહેલાં અશ્રુ મેં રોકેલ છે.

મારાં અશ્રુઓની કિંમત શૂન્ય શું જાણો તમે ?
કેટલા મંથન પછી એ મોતી મેં પામેલ છે.


0 comments


Leave comment