43 - નિર્દોષતા મારી / શૂન્ય પાલનપુરી


ફરીથી કોઈ સુણવા ચાહે છે દુઃખની કથા મારી,
કહું કે ના કહું, તો પણ હવે બેઠી દશા મારી.

પવનને પીઠ આપું તો ફરી બેસે દિશા મારી,
દશાનું પીઠબળ દેખો, ટળે શું આપદા મારી ?

પડે છે માર્ગદર્શક કદમ પાછળ, ફરજ અંગે,
સદા આગળ કરી દે છે મને આકાંક્ષા મારી.

ફિરશ્તાઓ મને લઈ જાય નિજહસ્તે, મરણટાણે,
તમે કલ્પી શકો કેવી હશે નિર્દોષતા મારી.

હજારો સૃષ્ટિઓ સર્જે છે મારી ખાક સૃષ્ટિ પર,
બકા માટે નથી મારતો, બકા તો છે ફના મારી.

હવે બંધન છે આખા વિશ્વની નજરોનું મારા પર,
ખરું કહું તો સજા રૂપે નડી મુજને કલા મારી.

કસમ છે પ્રાણથી પ્યારી કઝાના જિંદગી મુજને !
હવે જો સાથ આપે ખિજ્ર* તો માગું બકા મારી.

જફા કરનારને કારણ મળે તો શૂન્ય મળવા દો,
રહું ચૂપ એ જ ચાહે છે મહોબ્બતમાં વફા મારી.

* ખિજ્ર એક અમર વ્યક્તિ છે જે વખતોવખત માર્ગ ભૂલેલાઓને માર્ગ દેખાડે છે. આ શેરમાં મૃત્યુ ન હોય તો એકધારું જીવન કંટાળાજનક થઈ પડે એવો ધ્વનિ છે.


0 comments


Leave comment