39 - કવનની પાછળ / શૂન્ય પાલનપુરી


જીવું છું એના નયન થકી હું, મરું છું એના નયનની પાછળ,
હજાર જીવન એ મોતમાં છે, હાજર મોત એ જીવનની પાછળ.

કદી હસું છું , કદી રડું છું, કદી હું બેસું છું મૌન રાખી,
હૃદયને પાડું છું ટેવ દુઃખની, રહસ્ય છે એ સહનની પાછળ.

હજાર સુખદુઃખ, હજાર ચિંતા, હજાર અરમાનો જિંદગીના,
વિશાળ સૃષ્ટિ રમી રહી છે આ મારા નાનકડા મનની પાછળ.

હૃદયને સ્પર્શી શકે નહિ જે, કવન કહો પણ કવન નથી એ,
જે દર્દ ઊંડે જીવન મહીં છે રમે છે સાચા કવનની પાછળ.

થયું જો મસ્તીનું ભાન મુજને, નમી પડ્યો હું મને જ એક દિ’,
ઇશારો કોનો હતો કહી દે, ખુદા ! આ મારા નમનની પાછળ.

હે શૂન્ય દર્શન કરી તો શકશો, નજરનો કિંતુ ભરમ છે એમાં;
વિચાર કરજો રહસ્ય શું છે એ ‘તૂર’ કેરા દહનની પાછળ.

* ‘તૂર’ એક પર્વત હતો જ્યાં ખુદાએ મૂસા પેગંબરને દર્શન આપવાનું વચન આપ્યું હતું. એમ કહેવાય છે કે જયારે ખુદાઈ પ્રકાશ દેખાયો ત્યારે મૂસા બેભાન થઈ ગયા અને ‘તૂર’ ભસ્મીભૂત થઈ ગયો.


0 comments


Leave comment