8 - મેરુ ચળે છે (ગઝલ ઝૂલણાછંદ) / શૂન્ય પાલનપુરી


સૌ કહે છે અહીં પૂર્વકર્મો થકી
વ્યગ્રતા દિલતણી ના ટળે છે;
કેટલું શોચમય ! જ્ઞાન જેવું નથી
આજ એ કર્મનું ફળ મળે છે.

ચર્મચક્ષુ વડે રૂપ જોનારની
દર્શ – ઇચ્છા કદી ના ફળે છે,
તેજ–આભા થકી એની દ્રષ્ટિ પરે
સૌ તિમિરનાં પડો જઈ વળે છે.

લાગણીની નજરમાં છે કેવી અસર,
એ તું બુદ્ધિ વગર કેમ સમજે ?
આંખ વાટે સદા અશ્રુના રૂપમાં
બા’ર આવી હ્રદય ઉછાળે છે.

આ બધી હાડમારી ને જુલ્મોસિતમ,
છે કસોટી દયાળુ પ્રભુની !
માનવાનું રહ્યું, માત્ર એની દયા
માનવી પર અવિરત ઢળે છે.

છે શરત એટલી આત્મની શોધમાં
હે પથિક ! ગાળ તારા સમયને,
જેને મંઝિલ ગણી શોધવા તું મથે
એ જ ચરણોમાં આવી ઢળે છે.

ન્યાય બુદ્ધિ વગર કેમ કીધી હશે
જ્ઞાન – અજ્ઞાન કેરી કસોટી ?
‘અબ્દહુ’થી ‘અનલહક’ નથી દૂર કૈં
પાત્ર પૂરું ભરાતાં ઢળે છે.

પાપ ત્યાગી શકે એ તો મુશ્કેલ છે,
તોય ત્યાગીશ હું તારી ખાતર,
તારા અવતારનાં બંધનો સાંભળી
મારું હૈયું દુઃખે કળકળે છે.

જિંદગીના દુઃખે લાગણીવશ બની
શૂન્ય જેવો ને અશ્રુઓ સારે ?
વાત ખોટી નથી, આજ દાવો કરી
હું કહું છું કે મેરુ ચળે છે.


*************
* ‘અબ્દહુ’ એટલે હું ભક્ત છું.
* ‘અનલહક એટલે હું ઈશ્વર છું.


0 comments


Leave comment