56 - આપલે પેગામની / શૂન્ય પાલનપુરી


જોઈ હાલત ભગ્ન દિલના જામની,
હું હવે સમજ્યો ફના પણ કામની.

લાખ સાગર આંખથી છલકી ગયા,
તોય ના છીપી તરસ એક જામની.

થાય છે ઉલ્લેખ જયારે મોક્ષનો,
યાદ આવે છે મરણ કામની.

કેમ જલ્દી શ્વાસ આવે જાય છે ?
થાય છે શી આપલે પેગામની ?

જ્યાં લગી સંસાર સાથે કામ છે,
કેમ છોડું ? કામના છે કામની.

અર્થ હું સમજી ગયો જીવન તણો,
છે હવે તકલીફ પણ આરામની.

શીશ ને ચરણોનો સંબંધ પૂછમાં,
છે હદો સૌ એક તીરથ - ધામની.

પાત્ર છું ઈર્ષાને ચૌદે લોકમાં,
આંખ સારે છે ગરજ મુજ નામની.

શોધે પોતે શોધવા આવી મને,
ક્યાં મરી ચિંતા હવે અંજામની ?

જે ગણો તે અશ્રુઓનું સ્મિત છે,
શૂન્ય જીવનની મતા છે નામની.


0 comments


Leave comment