80 - સાકીને ! / શૂન્ય પાલનપુરી


આવ્યો છે એક મદમસ્ત પૂજારી,
અંતર યાચક, આંખ ભીખારી,
માગે છે તુજ નામ પુકારી,
પ્રેમ સુરાના પ્યાલા, સાકી !
આપી દે મતવાલા સાકી !

જામી છે ઘનઘોર ઘટાઓ,
કરતી ગર્જન-શોર ઘટાઓ,
યાદ કરે છે મોર, ઘટાઓ,
અલક લટો વિખરાવ હે સાકી !
રૂપ-અમી છલકાવ હે સાકી !

ઉલ્કા મુખપર સ્મિત ધરે છે,
વર્ષા અશ્રુપાત કરે છે,
વાદળ કાં નિશ્વાસ ભરે છે ?
ભેદ ન એ સમજાય હે સાકી !
મન એનું મૂંઝાય હે સાકી !

પ્રાણ ને કાયાથી હાર્યો,
તેજ અને છાયાથી હાર્યો,
બહુરૂપી માયાથી હાર્યો,
થાય છે બમણો મારો, સાકી !
આપ હવે છૂટકારો, સાકી !

પ્યારાઓનો પ્યાર કપટ છે,
મિત્રોનો વહેવાર કપટ છે;
આખોયે સંસાર કપટ છે,
કપટી શ્વાસે શ્વાસ છે સાકી !
આખું જીવન ત્રાસ છે સાકી !

સૂરજ છે ઢળવાની અણી પર,
સંધ્યા છે બળવાની અણી પર,
પ્રાણ છે નીકળવાની અણી પર,
રહી જાયે ના દાગ હે સાકી !
આગ દે એને આગ, હે સાકી !

આગથી શ્રદ્ધા-દીપ ભરી દે !
શંકા ભસ્મીભૂત કરી દે !
નવ-જીવનનો મંત્ર ફરી દે !
ક્યાંક વિમુખ એ થાય ના સાકી !
પાછળ તું પસ્તાય ના સાકી !


0 comments


Leave comment