91 - અનાદર / શૂન્ય પાલનપુરી


હું તને શોધું છું આ સંસારમાં
અર્થહીન દેખાતા કોઈ વાક્યમાં
જેમ શોધે અર્થ જ્ઞાની ચક્ષુઓ.

હું તને માગું છું આ સંસારમાં;
છાંયડો માગે કોઈ થાકેલ જન,
જેમ સૂકાં ડાળખાંની ઓથમાં.

હું તને કલ્પું છું આ સંસારમાં,
જન્મથી કો’ દ્રષ્ટિહીણો માનવી,
તેજ કલ્પે જે રીતે અંધારમાં.

હું તને શોધું છું આ સંસારમાં;
ડૂબતાની માન્યતા જે રીતથી,
એક તરણાને જુએ મજધારમાં.

મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી;
એમ તું વર્તે છે જાણે આ જગતમાં તું નથી;
ભક્તિનો આવો અનાદર ક્યાં લગી સાંખી લઉં ?
ફેંસલો કર, આજ તો કાં તું નથી કાં હું નથી !


0 comments


Leave comment