22 - નાગપાશ / શૂન્ય પાલનપુરી


શ્વાસે શ્વાસે મોતને મળવાની આશ !
જિંદગી જાણે કે એક જીવંત લાશ !

દાખલો દુશ્મનનો દઉં છું દોસ્તને,
થઈ ગયો છું કેટલો હું પણ હતાશ !

મુક્તિમાં પણ અમને મુક્તિ ના મળી,
શું ગુલામી પણ કરી ગઈ સર્વનાશ !

આશમાં પૂરી થવાનો અર્થ ક્યાં ?
આશવંતા વાસ્તવમાં છે નિરાશ.

ધર્મનો પણ દંશ ઝેરી હોય છે,
પાપ રૂપે પુણ્યનો છે નાગપાશ.

જિંદગીથી જ્ઞાન એ લાધ્યું મને,
શૂન્ય બળતી આગમાં પણ છે પ્રકાશ.


0 comments


Leave comment