4 - હાલત જોઈ / શૂન્ય પાલનપુરી


પ્રેમને કારણ આજ લગી મેં એક જ ધારી હાલત જોઈ;
દિવસ કાઢ્યા વલખાં મારી, રાત વિતાવી છાનું રોઈ.

રકતનાં બિંદુ તસ્બી-દાણા, દેહની રગ રગ મારી જનોઈ,
ધર્મ સ્વયં છું, એટલે મારે અંગત બીજો ધર્મ ન કોઈ.

અંતર ઝંખે કોઈનું દર્શન, જાણે પતંગો દીપક-ઘેલો;
આંખડી ઝૂરે એમ વિયોગે, જાણે મૃગલી ટોળા-વછોઈ.

વિશ્વ-ઉતારે ભીડ જીવોની થાય તો ક્યાંથી ઓછી થાયે ?
જીવનનાં પણ સાધન સારાં, મરવાની પણ ઉત્તમ સોઈ.

ભરયૌવનમાં ફૂલ રોળાયું, બાગ લૂંટાયો એન વસંતે,
રૂપને દેખી નાશનું સાધન, કળીએ સઘળી હિંમત ખોઈ.

શ્વાસની તે ફરિયાદ વળી શું ? શ્વાસ છે ખુદ ફરિયાદ જીવનની,
એની દાદ તો એ જ છે સાચી, ધ્યાન દઈને સમજે કોઈ.

રોજ પ્રભાતે ફૂલ કહે છે, ખૂબ હસો હે મિત્ર ! હવે તો,
આખી રાત વિતાવી દીધી તારલા હેઠળ રોઈ રોઈ.

અંત ને આદિ બેઉ અજાણ્યા, કેવું અધૂરું જીવન પામ્યા ?
કોઈ કથાનકની વચ્ચેથી જાણે ઉઠાવ્યો ટુકડો કોઈ.

એક દિ’ જયારે મોજમાં આવી શૂન્ય મેં છોડી જીવન-વીતક,
પાગલતાએ સ્મિત વહાવ્યું, પોક મૂકીને બુદ્ધિ રોઈ.


1 comments

RajKumar you

RajKumar you

Jan 24, 2020 04:07:28 PM

વાહ!!
પાગલતાએ સ્મિત વહાવ્યું..
પોક મૂકીને બુદ્ધિ રોઈ...

0 Like


Leave comment