98 - આજની રાત (પંચપદી) / શૂન્ય પાલનપુરી


(જે રાતે પેગંબર સાહેબનું ખુદા સાથે મિલન થયું એ રાતના પ્રસંગનું કાવ્યચિત્ર)

ક્યાં નજરની યે નજર પહોંચી વળી આજની રાત,
વાટ ત્રિલોકની ચરણોમાં ઢળી આજની રાત,
પ્રેમની આશ યુગો બાદ ફળી આજની રાત,
રૂપને રૂપ તણી ઝાંખી મળી આજની રાત,
જ્યોતમાં જ્યોતની રેખાઓ ભળી આજની રાત.

ના થયાં વિરહનાં દુઃખ-દર્દ વધુ વાર સહન,
છેવટે ગોઠવી દેવું પડ્યું પ્રેમીનું મિલન,
સાત આકાશની યે પાર એ દુર્ભેદ્ય ભુવન !
જ્યાં ફિરશ્તાનો ગુઝર થઈ ન શકે એવું ગહન !
ત્યાં જગા માત્ર એક માનવને મળી આજની રાત.

રૂપ ને પ્રેમમાં તદ્દરૂપ બની જાય ! કમાલ !
ના થવાનું યે નિમિષ માત્રમાં જો થાય ! કમાલ !
માનવી એક સકળ લોકમાં વંદાય ! કમાલ !
ભક્ત ખુદ પૂજ્યના આદેશથી પૂજાય ! કમાલ !
ભક્તિની એક નવી કેડી મળી આજની રાત.

અંત આદિ મહીં એક વાળનું અંતર ન રહ્યું,
પાપ ને પુણ્યનું કો’ બાહ્ય કલેવર ન રહ્યું,
‘હું’ અને ‘તું’નો ગયો ભેદ, કોઈ પર ન રહ્યું,
રૂપથી ખાલી કોઈ સ્થળ ન રહ્યું, ઘર ન રહ્યું,
જ્યોત શ્રદ્ધાની પરમ તેજે બળી આજની રાત.

દ્વારા રહેમતનાં ઊઘાડતાં જ દયા-દ્રષ્ટિ કરી,
નાવ ડૂબેલ હતી એને ફરી વહેતી કરી,
એક સંજીવની મૃતપ્રાય: જગત સામે ધરી,
જાણે ધરતીની ઉપર સ્વર્ગની ગંગા ઊતરી,
પાપ સંસારનાં સૌ ધોઈ વળી આજની રાત.

લાખ આભાર કે સૃષ્ટિ તણો અંધકાર ગયો,
સ્વર્ગ-લાલચ ન રહી, નર્કનો ભયકાર ગયો,
વિશ્વથી જૂઠ ગયું, જૂઠનો ઇતબાર ગયો,
જુલ્મ-બંધન ન રહ્યાં, પાપનો પરિવાર ગયો,
માનવી માત્રની પીડાઓ ટળી આજની રાત.

આજ ચકચૂર બની આખું જગત ડોલે છે,
ભાન-મસ્તીના બધા ભેદ હૃદય ખોલે છે,
પ્રાણ-પંખેરું અતિ હર્ષમાં કલ્લોલે છે,
આજ અંતરની દરેક ચીજ નજર તોલે છે,
શૂન્ય દ્રષ્ટિને પરમ દ્રષ્ટિ મળી આજની રાત.


0 comments


Leave comment