96 - સોનાનો સૂરજ / શૂન્ય પાલનપુરી


(આઝાદી મળી પરંતુ જે જે આશાઓ સેવવામાં આવી હતી તે ના ફળી, બિરલાઓ અને સત્તાધીશોને ત્યાં ટંકશાળ પડી, ગરીબો શોષાતા જ રહ્યા. એના પ્રત્યાઘાત રૂપે આ કાવ્ય લખાયું )

સોનાનો સૂરજ ઊગ્યો છે... સોનાનો.
કોઈ કહે છે સાચું છે તો કોઈ કહે છે માયા છે
એકની આંખે ઝાંખપ છે તો એકની પીળી છાયા છે,
‘કોનો ?’ એ છે પ્રશ્ન જુદો પણ સર્વ જનો હરખાયા છે.
સોનાનો સૂરજ ઊગ્યો છે... સોનાનો.

સિક્કાના પૂજારી રાચે છે, એ રાચે છે તો રાચવા દો,
સોનાના બિખરી નાચે છે, એ નાચે છે તો નાચવા દો,
લાચાર ગરીબો યાચે છે, એ યાચે છે તો યાચવા દો,
સોનાનો સૂરજ ઊગ્યો છે... સોનાનો.

મજદૂર સડે છે દારૂમાં, એ દેશનું લાંછન શા માટે ?
હા ! ભૂખથી બાળક કકળે છે, કંગાળ છે જીવન શા માટે ?
આબાદ રહે ઊંચા મહેલો, દારિદ્રયનું દર્શન શા માટે ?
સોનાનો સૂરજ ઊગ્યો છે... સોનાનો.


જે પેટનાં વલખાં મારે છે, એ નીચ નરાધમ પ્રાણી છે,
આ રોગ, વ્યથા ને બેકારી, એ પૂર્વની ભવ-કમાણી છે,
સરકારનો એમાં દોષ નથી, સરકાર હવે તો શાણી છે,
સોનાનો સૂરજ ઊગ્યો છે... સોનાનો.

લૂંટાય ભલે ઘરઘર શિયળ, સંસ્કાર નવા ભરવા પડશે,
ચૂસાય ભલે ને શ્રમજીવી, ઉદ્યોગ નવા કરવા પડશે,
રિબાય ભલે નિર્ધન જનતા, પરદેશનાં મન હરવાં પડશે,
સોનાનો સૂરજ ઊગ્યો છે... સોનાનો.
રૂપિયાના રણકાર થવા દો, ઝાંઝરના ઝણકાર થવા દો,
રેશમ ને કિનખાબનાં વસ્ત્રો કાયાના શણગાર થવા દો,
ધર્મ તો કેવળ નામ છે પોકળ, પાપોનો જયકાર થવા દો,
સોનાનો સૂરજ ઊગ્યો છે... સોનાનો.

દૂર એ ચાંદીના આકાશે ઝગમગ થાતો દેખાશે,
ઊંચા ઊંચા શૂન્ય મિનારા પૂર્ણ પ્રકાશિત થઈ જાશે,
એ કિરણોનાં દાન થશે તો નગ્ન શરીરો પોષાશે,
સોનાનો સૂરજ ઊગ્યો છે... સોનાનો.


0 comments


Leave comment