18 - દેખાઈ આવે છે / શૂન્ય પાલનપુરી


પ્રભા કૈં પુણ્યમાં પણ પાપની દેખાઈ આવે છે,
વસે દેવોમાં તોયે માનવી દેખાઈ આવે છે.

વિચારોની હદોથી દૂર છે મુજ દ્રષ્ટિબળ આજે,
છબીમાં આપની મારી છબી દેખાઈ આવે છે.

અમે મૃતલોકના, અમ જિંદગીની પૂર્ણતા કેવી ?
કમી હોતી નથી તોયે કમી દેખાઈ આવે છે.

ભ્રમણ છે રાત દિવસનું, વમળ છે સુખ અને દુઃખનું;
જીવનના ચક્રની એક જ ગતિ દેખાઈ આવે છે.

નજરનાં પારખાં લેવાની એની રીતે ન્યારી છે,
કદી સંતાઈ બેસે છે, કદી દેખાઈ આવે છે.

પરિચય થાય છે કૈં જ્ઞાનનો અજ્ઞાનને લીધે,
તિમિરની હાજરીથી રોશની દેખાઈ આવે છે.

જીવનના કોડ જાગે છે મરણ ટાણે નવેસરથી,
ફનાની આંખમાં સંજીવની દેખાઈ આવે છે.

શમે છે શૂન્ય ક્યાં આંખોમહીં તોફાન અશ્રુનાં ?
છુપાવું લાખ તો પણ લાગણી દેખાઈ આવે છે.


0 comments


Leave comment