2 - તેજ અંધારે / શૂન્ય પાલનપુરી


તું જ અંત આદિમાં, તું જ તેજઅંધારે;
તું જ સાર છે કેવળ, આ અસાર સંસારે.

પથ્થરો તરે છે તો, એક અર્જ છે મારે,
મુજ જીવનની નૌકા પણ જઈ ચઢી છે મજધારે.

જન્મના સકળ ફેરા લેશ પણ નથી ભારે,
હું બધુંયે સમજું છું તું જ આવશે હારે.

એ જ આશ્વાસનથી શ્વાસ લઉં છું સંસારે,
ક્યાંક તું મળી જાશે, કોઈ નામ-આકારે.

રોમે રોમ ચાલે છે એ જ નામની રટના,
ઝેર પણ બને અમૃત જેના એક ઉદ્દગારે.

ભક્તજનની નજરોનાં પારખાં નથી સારાં,
એક દિ’ બતાવીશું આપને નયન દ્વારે.

ધન્ય મારા પાપોને, મેળવી તો દે છે એ,
કોઈ પણ બહાનાથી, એક ન એક અવતારે !

આપદામાં પૂરો છો ચીર નવસેં નવ્વાણું;
ઋણ એમ રાખો છો ચીંથરીનું પણ ક્યારે !

મેં જ ખોટ પૂરી છે શૂન્ય તારા સર્જનની,
તું મને જ તરછોડે? તું જ મને ધિક્કારે ?


0 comments


Leave comment