87 - જવાબ થઈને આવ તું / શૂન્ય પાલનપુરી


ખીલી રહ્યાં છે કુંજે કુંજે પુષ્પ રંગ રંગનાં;
અનિલ તણા તરંગ રૂપ બાણ છે અનંગનાં;
કળી કળીને સોણેલાં ભ્રમરથી પ્રેમસંગનાં;
મિલન તણો કયો સમય છે ઓર ? એ બતાવ તું,
જવાબ આપ યા સ્વયં જવાબ થઈને આવ તું !

ચડી રહી છે વ્યોમ પર ઘટાઓ ચારે કોરથી;
બન્યું છે મસ્ત આમ્રવન કલાનિમગ્ન મોરથી;
હૃદય હૃદયમાં દર્દ છે પીહૂ પીહૂના શોરથી;
નહિ મળે શું ચંદ્રથી ચકોર ? એ બતાવ તું.
જવાબ આપ યા સ્વયં જવાબ થઈને આવ તું !

ખીલી રહી છે રાતની જવાની પુર બહારમાં,
ઝગી રહ્યા છે તારલાના દીપ અંધકારમાં;
હજારો વ્યગ્ર નયન, જાણે તારા ઈંતેજારમાં;
થશે કદી આ રાતની યે ભોર ? બતાવ તું.
જવાબ આપ યા સ્વયં જવાબ થઈને આવ તું !

આ તારલા ખરી જશે, આ સોણલાં સરી જશે;
સમયની બેવફાઈનો હૃદયમાં ગમ ભરી જશે;
યુવાની એક પૂર છે, ઘડીમાં ઓસરી જશે;
રહેશે ક્યાં લગી વિરહનો દોર ? એ બતાવ તું.
જવાબ આપ યા સ્વયં જવાબ થઈને આવ તું !


0 comments


Leave comment