46 - શૂન્યમાંથી સાદ આવે છે / શૂન્ય પાલનપુરી


છરીને ડોક લઈને ધર્મનો ઉન્માદ આવે છે,
નવો એક સ્વાંગ ભૈરવનો ધરી વિખવાદ આવે છે.

ભરી દીધી છે કાળે એટલી કડવાશ જીવનમાં,
મદિરામાંહે અમૃતનો હવે તો સ્વાદ આવે છે.

ન દીઠું ક્યાંય આવું તો પતન ભગ્નાશ અશ્રુનું !
કદી જો આશ પૂરે હામ તો એકાદ આવે છે.

ગમે તેવી યે આઝાદી, છતાં સંસ્કાર તો દેખો,
ગુલામોને ગુલામીની જ વાતો યાદ આવે છે.

હવે તો એટલી મૂકી છે માઝા એનાં જુલ્મોએ,
ખૂલે છે હોઠ તો શબ્દો બની ફરિયાદ આવે છે.

પતનની તો વળી હોતી હશે ભીતિ કુટિરોને ?
જાગે એ શાપ લઈને માત્ર સૌ પ્રાસાદ આવે છે.

જિગરમાં આગ સળગે છે અગમ અંધકારની બીકે,
કોઈની રાત જેવી જુલ્ફની કાં યાદ આવે છે.

મરણ હો તો મરણ પણ આ દશા જીવન નહીં સમજે,
મને બોલાવવાનો શૂન્યમાંથી સાદ આવે છે.


0 comments


Leave comment