89 - ફેંસલો / શૂન્ય પાલનપુરી


હું, કે દુનિયાને ગણી લઉં તુચ્છ તારા પ્રેમમાં,
તું, કે મુજને પ્રેમથી તારો બનાવી ના શકે !

તારી ખાતર દુઃખ જગતભરમાં ઉઠાવ્યે જાઉં હું,
મારી ખાતર તું જરા પણ દુઃખ ઉઠાવી ના શકે !

તારી ખાતર લોહીનાં આંસુ વહાવ્યે જાઉં હું,
સ્મિત સરખું એ રુદન પર તું વહાવી ના શકે !

યાદમાં તારી હું મારી જાતને વિસરી શકું,
હોઠ પર તું એક મારું નામ લાવી ના શકે !

હું તને સરખાવું સૂરજ ચાંદ સાથે તાર દિ’
તું મને તારા બરાબર પણ બતાવી ના શકે !

પથ્થરોનાં દિલ દ્વવે, નિ:શ્વાસ તારા સાંભળી,
લાગણીનાં ચાર આંસુ તું વહાવી ના શકે !

હું પરિવર્તન કરી લઉં તારી ખાતર વિશ્વમાં,
તું ફક્ત દિલના અંતરને મિટાવી ના શકે !

હું તને ઈશ્વર બનાવીને ભજું દુનિયા સમક્ષ,
તું મને પળવાર પણ દર્શન બતાવી ના શકે !

હું સજાવું તારી ખાતર શૂન્ય ચૌદે લોકને,
સ્વર્ગ જેવી મારી દુનિયા તું બનાવી ના શકે !

આ ઉદાસીનતા ઉપરથી એમ લાગે છે હવે,
ઝંખના પણ જાણે કરવાનો મને કૈં હક નથી,
હાય આ દિલનો તફાવત ! આ નજરનો ભેદભાવ !
માફ કર, જો હું કહું ‘તું પ્રેમને લાયક નથી !’* (સૂચિત ‘રઈસ’પરથી)


0 comments


Leave comment