42 - દીપ બળે છે / શૂન્ય પાલનપુરી


સમજુ છું, જો મોત મળે છે,
જીવનનું એક સ્વપ્ન ફળે છે.

જ્ઞાન વધે અજ્ઞાન મળે છે,
અવળે પંથે પંથ વળે છે.

ઉપવન ઉપવન ભટકી થાક્યો,
ફૂલની ઓથે ખાર મળે છે.

એક નજરની એ પણ શક્તિ !
આંખ ઠરે છે, ઉર બળે છે.

જીવન મૃત્યુ એક જ પંથે,
રાત ઢળે છે, દિ’યે ઢળે છે.

ભેદનો છે એ ભેદ અનોખો,
પાર મળે તો ભાન ટળે છે.

મૂરખ એનું નામ છે દુનિયા,
અમૃત માગે ઝેર મળે છે.

શૂન્ય હૃદયના જખ્મ છે એવા,
જાણે ઘરમાં દીપ બળે છે.


0 comments


Leave comment