73 - બાકી / શૂન્ય પાલનપુરી


હજુ કોઈ આંખોમાં છે પ્યાર બાકી,
હજુ અમ જીવનનો છે આધાર બાકી.

તિમિર ફેડવું વ્યર્થ છે જ્યોત કેરું,
હજુ દીપ હેઠળ છે અંધકાર બાકી.

આ જખ્મો, આ અશ્રુ આ પાલવના લીરા !
જવાની ! હવે કેવો શણગાર બાકી ?

મને ભૂલનારો એ સાકી ન ભૂલે,
જો પીનાર છે તો જ પાનાર બાકી.

હજુ આંખ ડૂબી નથી અશ્રુઓમાં,
છે જીવનકથાનો હજુ સાર બાકી.

વગર કારણે હોય આંસુ ન ઊનાં,
હશે દિલ મહીં ક્યાંક અંગાર બાકી !

જીવનની વફાનો પુરાવો ન માગો,
રહે જ્યાં લગી દિલમાં ધબકાર બાકી.

કહું કેમ આવી ગયો અંત દુઃખનો !
હજુ શૂન્ય છે શ્વાસ બેચાર બાકી.


0 comments


Leave comment