15 - આજની રાત / શૂન્ય પાલનપુરી


મોતનો ડર કે નથી જીવનો ગમ, આજની રાત,
શૂન્ય પામી ગયો આનંદ પરમ આજની રાત.

ભવ્ય કૈં ઓછું નથી આખરી પ્રેમીનું મિલન !
રૂબરૂ આવતાં મૂંઝાય છે યમ, આજની રાત.

એમ લાગે છે નિકટ ક્યાંક છે મંઝિલ એની,
ચાલતાં શ્વાસનાં લચકે છે કદમ આજની રાત.

ઝેર આપ્યું તો નથી મારા જીવનને કાળે?
દર્દ કાં થાય છે હંમેશથી કમ આજની રાત.

અંત હું લાવવા ચાહું છું બધી પીડાનો,
કોઈ આપે નહિ તોબાના કસમ આજની રાત.

પ્રેમને રૂપનું પ્રત્યક્ષ મિલન થાવા દો!
દૂર થઈ જાશે બધા ભેદભરમ આજની રાત.

પ્રેમ – વિવેકની લાગે છે હવે તો અવધિ,
નામ પર કોના અટકે છે કલમ આજની રાત.

કોઈની યાદના નશ્તરની સફળતા દેખો,
શૂન્ય ફૂટી ગયા આંખોના જખમ આજની રાત.


0 comments


Leave comment