99 - મુક્તિ-દાતા / શૂન્ય પાલનપુરી


ધન્ય અમારા મુક્તિ દાતા !
ધન્ય મહા વૈરાગી !
તારા સપના પુણ્ય-પ્રભાવે, આજ ગુલામી ભાગી,
ધન્ય મહા વૈરાગી !
ધન્ય મહા વૈરાગી !

પૂર્વ દિશામાં દ્વારે દીઠી, આજ અનોખી શાન !
જાણે જાય-વરમાળા લઈને આવ્યા ખુદ ભગવાન !
તેજ ફુવારા છૂટ્યા ચોગમ, આખી જનતા જાગી,
દેવલોકની સૃષ્ટિ જાણે, રૂપ બદલવા લાગી !
ધન્ય મહા વૈરાગી !
ધન્ય મહા વૈરાગી !

ટીપુના અરમાન ન્યોચ્છાવર, લક્ષ્મીનું બલિદાન !
નાનાનું અભિમાન ન્યોચ્છાવર, મોગલવીરની જાન !
જેની ખાતર સ્વર્ગ સિધાવ્યા લાખો જીવન ત્યાગી,
એ માતાનાં ચરણો પોતે મુક્તિ ધોવા લાગી,
ધન્ય મહા વૈરાગી !
ધન્ય મહા વૈરાગી !

વીર જહાવારની બાહોશી, વલ્લભનો પડકાર,
નેતાજીનું શૌય ન્યોચ્છાવર, મૌલાનાનો પ્યાર !
ધર્મે-કર્મે દેશ-વિદેશ, તારી નોબત વાગી,
અવનિપટપટ જ્ઞાન-ધ્યાનથી ગંગા વહેવા લાગી,
ધન્ય મહા વૈરાગી !
ધન્ય મહા વૈરાગી !

ખેંચીને લઈ જા રે વાયુ ! થોડાં કાળાં વાદળ,
આજ કરી દે ભારત-નભને, સ્ફટિક જેવું નિર્મળ,
આજ ન રહેવા પામે કોઈ, ઈર્ષાનો અનુરાગી,
સેંકડો વર્ષે આજ અમારી સૂતી કિસ્મત જાગી,
ધન્ય મહા વૈરાગી !
ધન્ય મહા વૈરાગી !

માતના રક્ષણ કાજે લડશું, હૈયે રાખી હામ,
હાથમાં હાથ મિલાવી કરશું નવસર્જનનું કામ,
માતા કેરી કૂખ લજાવે ના કોઈ કમભાગી,
આજ કસોટી પાર ઊતરશું, વેર ને ઈર્ષા ત્યાગી,
ધન્ય મહા વૈરાગી !
ધન્ય મહા વૈરાગી !

તારા તપના પુણ્ય-પ્રભાવે આજ ગુલામી ભાગી,
ધન્ય મહા વૈરાગી !


0 comments


Leave comment