95 - નવલ પ્રભાત / શૂન્ય પાલનપુરી


ઊગ્યું નવલ પ્રભાત !
હવે તો,
ઊગ્યું નવલ પ્રભાત !

અસ્ત થયા સૌ તારા ટમ ટમ,
લાવી ઉષા રંગ અનુપમ,
તેજ નવાં રેલાયાં ચોગમ,

વીતી કાળી રાત
હવે તો,
ઊગ્યું નવલ પ્રભાત.

જીવન પરથી કે’ર જવાના,
વેર જવાનાં, ઝેર જવાનાં,
જુલ્મ અને અંધેર જવાનાં,

જાશે ઉક્લાપાત
હવે તો,
ઊગ્યું નવલ પ્રભાત.

પલટાયો શું નાવ-સુકાની,
પલટી જાશે દિશ હવાની,
શાંત થશે મોજાં તોફાની,

જાશે ઝંઝાવાત,
હવે તો,
ઊગ્યું નવલ પ્રભાત.

દીન જનોનાં દળદર દળશે,
આજ ફરેલા દિવસ વળશે,
શ્રમનો સાચો બદલો મળશે,

મૂકો દુઃખની વાત,
હવે તો,
ઊગ્યું નવલ પ્રભાત.

શૂન્યમહીંથી સર્જન કરશું,
જડ માનસમાં ચેતન ભરશું,
સાચી સેવા હૈયે ધરશું.

દિવસ હો કે રાત,
હવે તો,
ઊગ્યું નવલ પ્રભાત.


0 comments


Leave comment