28 - સમજાવી નથી શકતો / શૂન્ય પાલનપુરી


નજરથી દૂર એવી કલ્પના લાવી નથી શકતો
જુદું સંસારથી હું સ્વર્ગ સર્જાવી નથી શકતો !

તમારી યાદને અંતરથી વિસરાવી નથી શકતો,
ફક્ત એક જ એ પાનું પ્રેમ ઉથલાવી નથી શકતો.

કોઈ સમજે કે ના સમજે એ બીજી વાત છે કિંતુ,
અહીં મારા જ અંતરને હું સમજાવી નથી શકતો.

જીવનથી શ્રેષ્ઠ બીજું શું મળી શકશે જગતમાંહે ?
કદી હું કોઈ આગળ હાથ ફેલાવી નથી શકતો.

વિચાર આવે છે મોજાંની બધી લિજ્જત મરી જાશે,
કિનારો જોઈને પણ નાવ થોભાવી નથી શકતો.

કોઈનાં સર્જનોનો જાળવું છું ભેદ દ્રષ્ટિમાં,
રહીને ભાનમાં પણ ભાનમાં આવી નથી શકતો.

તમારી યાદ શું શું કે’ર વર્તાવે છે જાણીને,
તમારું નામ પણ હોઠો સુધી લાવી નથી શકતો.

ગણું છું પ્રેમ-બંધનને પ્રથમ સોપાન મુક્તિનું,
જગતના ત્યાગની વાતો હું અપનાવી નથી શકતો.

તમન્ના જિંદગીની છે કંઈ એવી પ્રબળ આજે,
મળે જો પુણ્ય તો પણ પાપ અટકાવી નથી શકતો.

તડપતી આહ અંતરની વણી લાવે છે ગઝલોમાં,
કહ્યું કોણે, જગતને શૂન્ય તડપાવી નથી શકતો ?


0 comments


Leave comment