40 - પૂનમ અમાસ આજે / શૂન્ય પાલનપુરી


એવા ‘અમો’ છીએ કૈં બંધનના દાસ આજે,
ભારે પડી ગયો છે મુક્તિનો શ્વાસ આજે.

ફળતો નથી જીવનનો કોઈ પ્રયાસ આજે,
લાગે છે એમ નક્કી મૃત્યુ છે પાસ આજે.

ખૂબ જ ધમાલ છે આ શ્વાસોચ્છવાસ આજે,
હે જીવ ! કઈ તરફ છે તારો પ્રવાસ આજે ?

કીધો છે એવો કોની નજરોમાં વાસ આજે ?
કરવો પડે છે દિલને કંટક – વિલાસ આજે.

ભગ્નાશ થઈને હું તો છું નાસીપાસ આજે,
કિંતુ છે ચાંદતારા શાને ઉદાસ આજે ?

લાગી છે આગ હૈયે ને અશ્રુઓ વહે છે,
હોળી અને દીપોત્સવ છે પાસપાસ આજે.

છે ખીલવું ને ખરવું ફોગટ એ પુષ્પ કેરું,
કિધો છે આત્મ-પૂરતો જેણે વિકાસ આજે.

પાથરણાં પુષ્પનાં છે ને દીપકો ઝગે છે,
દિલ કોઈની સભાનો આપે છે ભાસ આજે.

ભારે છે રાત એવી જીવન ઉપર વિરહની,
ઘડીઓ ગણી રહ્યો છે પ્રત્યેક શ્વાસ આજે.

યૌવન છે પૂર બહારે, ને રાત છે વિરહની !
સરખાં છે શૂન્ય મારે, પૂનમ અમાસ આજે.


0 comments


Leave comment