19 - જવાબ માગું છું / શૂન્ય પાલનપુરી


જીવનનાં દર્દ જીરવવાની તાબ માગું છું,
હ્રદય હું એટલે ગમમાં ખરાબ માગું છું.

સદા હું કંટકો સાથે ગુલાબ માગું છું,
જીવનમાં સાચો જીવનનો જવાબ માગું છું.

નથી જરૂર નથી એકે લોકની મુજને,
નયનથી તારા છલકતી શરાબ માગું છું.

ન કર સવાલ તને કેમ ચાહે છે દુનિયા ?
જવાબ દે કે હું તારો જવાબ માગું છું.

છે ભાન દીન ને દુનિયાનું એટલું મુજને,
સવાબ સાથે હું થોડો અઝાબ માગું છું.

નજરથી પૃષ્ઠ જગતનાં તો જોઈ લીધાં છે,
હૃદયથી વાંચી શકું એ કિતાબ માગું છું.

હજુ તો ભાન છે આ ખાલી જામનું મુજને,
શરાબ લાવ હે સાકી ! શરાબ માગું છું.

જમાનો એટલું સમજી લે મારા શ્વાસોથી,
પળે પળે હું નવો ઇન્કિલાબ માગું છું.

વિરહની રાતમાં વીતી છે ખૂબ મારા પર,
હવે જો આંખ મળે, દીર્ધ ખ્વાબ માગું છું.

તિમિર જે વિરહમાં ફેડી છે અંતરથી,
નજરમાં શૂન્ય હું એ આફતાબ માગું છું.


0 comments


Leave comment