6 - મશાલી / શૂન્ય પાલનપુરી


અમો પ્રેમીઓના જીવનમાં વસી છે
આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી;
ઘટે જો ધરા તો બને દિલનો પાલવ,
ઘટે જો ગગન તો બને નૈન-પ્યાલી.

અમે તો કવિ, કાળને નાથનારા,
અમારે તો આઠે પ્રહર છે ખુશાલી;
આ બળબળતું હૈયું, આ ઝગમગતાં નયનો,
ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાલી !

મરણને જીવનનો ઇજારો સમર્પી
ફનાને અમરતાની આપી બહાલી;
સુરક્ષિત રહે એનાં સર્જન-રહસ્યો,
એ ખાતર વિધાતા ગયો ચાલ ચાલી !

હજારો પથિક તિમિર-ઘેરા પથપર,
વિના તેજ અટવાઈ વલખી રહ્યાં છે !
જલાવી દે જીવન ! નયન-દીપ તારાં,
બનાવી દે બળતા હ્રદયને મશાલી.

કોના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બૂંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઈ તાજની સર્વ જાહોજલાલી.

તિરસ્કૃત જીવન ! આ તો છે મૃત્યુ-આંગણ;
નથી કોઈના ઘરનો ઉંબર કે ડરીએ !
ગજું શું કે બેઠા પછી કોઈ અહીંથી,
ઉઠાડે તને કે મને હાથ ઝાલી ?


મને ગર્વ છે કે આ મારી ગરીબી
અમીરાતની અલ્પતાઓથી પર છે,
સિકંદરના મર્હુમ કિસ્મતના સૌગંદ,
રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી.

તને એકમાંથી બહુની તમન્ના,
બહુ થી મને એક જોવાની ઇચ્છા,
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી,
કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી.

બધાં નામનો નાશ નક્કી છે કિંતુ,
અમર નામ છે શૂન્ય મારું જગતમાં;
ફના થઈને પણ શૂન્ય રહેવાનો હું તો,
નહીં થાય મુજ નામની પાયમાલી.


0 comments


Leave comment