30 - જીવનનું અંગ / શૂન્ય પાલનપુરી


હોઠે ભાવ ને મનમાં વ્યંગ !
વાહરે ! દુનિયા તારા ઢંગ !

કેટલો રાખું હાય ઉમંગ ?
દાન વિપુલ છે, પાલવ તંગ !

અંતર વ્યાકુળ, દ્રષ્ટિ દંગ,
લાવી દર્શન-લીલા રંગ.

એ જ કવિનું જીવન છે,
રૂપ ને કુદરતનો ઉત્સંગ.

પ્રેમની એ પણ ખૂબી છે,
દીપક પોતે થાય પતંગ !

જીવ ! ઉપેક્ષા રહેવા દે !
મૃત્યુ છે જીવનનું અંગ.

ભેદ પડાવે ક્રૂર જગત,
હું-તું નહીંતર એક જ સંગ.

ગમની અવધિ લાગે છે;
હૈયે ઊછળે કાં ઉછરંગ ?

પાપી અંતર પાવન થા,
વહેતાં નયન છે યમુના-ગંગ.

અંગત વાતો વ્યકત ન કર,
શૂન્ય થશે મર્યાદાભંગ.


0 comments


Leave comment