93 - ભારત માના જાયા / શૂન્ય પાલનપુરી


ભારત માના જાયા !
રે બાપુ !
ભારત માના જાયા !
ભસ્મ બની છે આજે તારી કંચનવર્ણી કાયા
રે બાપુ ! ભારત માના જાયા !....ભારત

પીધાં ઝેર ને પાયાં અમૃત, કેવો સેવાભાવ !
માનવનો ઉદ્ધાર કરીને, પામ્યા જીવન-લા’વ !
માનવતાની રક્ષા અર્થે મોંઘા પ્રાણ હરાયા,
રે બાપુ ! ભારત માના જાયા !....ભારત

મજધારે એક નાવ પડી’તી, ખેંચી કાઢી આરે,
ત્યાં જ અચાનક એક ખરાબો, અથડાયો કૈં ભારે,
તારક પોતે ડૂબી ચાલ્યો, ડોલે નાવના પાયા !
રે બાપુ ! ભારત માના જાયા !....ભારત

પર-સેવામાં જીવનગાળી, કીધી મોક્ષ-પથારી,
જનમોજન્મના ફેરા ટાળી બોતેર પેઢી તારી,
ખૂબ ઉતારી જીવનમાં તેં ‘વૈષ્ણવજન’ની છાયા !
રે બાપુ ! ભારત માના જાયા !....ભારત

સરખા જેને ખ્રિસ્ત, મહંમદ, ગૌતમ ને મહાવીર,
શૂન્ય ગણે સૌ ધર્મના ભેદો સાચો સંત ફકીર !
ત્યાગ કરીને ચાલ્યો જગને,સમજી કેવળ માયા,
રે બાપુ ! ભારત માના જાયા !....ભારત
ભારત માના જાયા !
રે બાપુ !
ભારત માના જાયા !


0 comments


Leave comment