35 - ખુદ શિકાર છે / શૂન્ય પાલનપુરી


જિંદગી એની જિંદગી, પ્યાર તે એનો પ્યાર છે,
ઇન્સાનિયતના દર્દમાં જેનું હૃદય ખુવાર છે.

જેને કહે છે મોત સૌ એક જીવનચિતાર છે,
ફેર છે દ્રષ્ટિકોણ સાંજ સ્વયં સવાર છે.

મુક્તિ નથી હે બંધુઓ, સોનાની એ કટાર છે,
ભેટે ધરો કે પેટ પર, આપને અખત્યાર છે.

યાદ છે એવી કોઈની આશાવિહોણા દિલ મહીં,
સુમસામ એક વન મહીં જાણે કોઈ મજાર છે.

મૃગલું ને ઝાંઝવાંનાં જળ માયાસ્વરૂપ છે ઉભય,
અર્થાત નિજ પ્રપંચનો માયા જ ખુદ શિકાર છે.

કોણે કહ્યું કે પાનખર ટાળી શકાય ના કદી ?
એવા ઘણાયે બાગ છે જેમાં સદા બહાર છે.

મુજને ફના કરી તમે એ ન કહો ખબર નથી,
કાર્ય તો એ જ થઈ શકે જેનો દિલે વિચાર છે.

જોઈ ન હો તો જોઈ લો સાચી લગન ફનાતણી !
સૂર્યની ઝંખના મહીં વ્યાકુળ એક તુષાર છે.

પામું છું દર્શ રૂપનાં શૂન્ય અનોખી રીતથી,
શીશ ઝુકાવી જોઉં છું અંતરનો શો ચિતાર છે ?


0 comments


Leave comment