84 - પ્રતીક્ષા / શૂન્ય પાલનપુરી


હજુયે મારી આંખોમાં રમે છે એ છબી તારી,
હજુયે ઊર્મિઓ મનની ઉછાળા ખાય છે મનમાં,
હજુયે એ જ આશાનું જગત સર્જાય છે મનમાં,
હજુયે યાદમાં તારી નભે છે જિંદગી મારી.

હજુયે પ્રેમમાં તારી પ્રભા દેખાઈ આવે છે,
કરે છે રૂપ તારું પુષ્પને એક જિંદગી અર્પણ,
હજુયે છે વસંતોમાં, મને એક તારું આકર્ષણ,
હજુયે નામ તારું પ્રાણમાં પણ પ્રાણ લાવે છે.

હજુયે સ્મિત તારું એક લા’વો છે આ જીવનનો,
નથી વિસરી શકાતાં તારી આંખોનાં હજુ કામણ,
એ રસઝરતી અમી-વાણી, એ તારા સ્નેહનું દર્પણ !
હજુ ભૂખ્યો છે મારો આત્મા એ રૂપદર્શનનો.

છતાં નિશ્ચિત છે તું તો મને આતુર રાખીને,
કસોટી તો નથી કરવી નજરથી દૂર રાખીને ?


0 comments


Leave comment