100 - વંદન (ગરબો) / શૂન્ય પાલનપુરી


માતાની લાજ તેં બચાવી,
ઓ તાત !
તને વંદન હો !!
વર્ષોની શૃંખલા ફગાવી,
ઓ તાત !
તને વંદન હો !!

અંતરથી જુલ્મનાં શાસન કઢાવ્યાં,
જડમાં ચેતનના પ્રાણ પૂરી બતાવ્યા,
યુગયુગના ધર્મ-ભેદ પલમાં દફનાવ્યા,
ઓ તાત !
તને વંદન હો !!.... માતાની


જીવન બન્યું’તું લોકકેરું મંદરાચળ,
ખાતો’તો કોમવાદ વાસુકી જેમ વળ,
સર્જ્યું એ મંથને જયારે હળાહળ,
શંકરની હામ તેં બતાવી,
ઓ તાત !
તને વંદન હો !!.... માતાની


કર્મો તુજ ધર્મ સમાં, અંગો પુરાણ સમ,
વાણી વેદાંત સમી, ગીતાજી પ્રાણ સમ,
તારા આતામનું તેજ જળહળતા ભાણ સમ,
ઉરમાં અહિંસા સમાવી,
ઓ તાત !
તને વંદન હો !!.... માતાની


ગોઝારા એક દિને, ધર્માંધ એક જન,
હિંસાની ગોળીએ વીંધે છે જીર્ણ તન,
બદલામાં થાય એ જ હત્યારો પાવન !
ધ્રુવની અડગતા ભુલાવી,
ઓ તાત !
તને વંદન હો !!.... માતાની

નવખંડે વ્રજપાત ! તારી શહાદત !
હિંસાનો આત્મઘાત, તારી શહાદત !
પામી અમરત્વ તાત, તારી શહાદત !
મૃત્યુની ભવ્યતા બતાવી,
ઓ તાત !
તને વંદન હો !!.... માતાની

આકાશપરથી પ્રેમજ્યોતિ ફેલાવજે,
ભટકેલ પંથીને પંથે વળાવજે,
ભાંગેલા હૈયાને પાછું સંધાવજે,
દ્રેષ-ભાવ દેજે મિટાવી,
ઓ તાત !
તને વંદન હો !!.... માતાની


0 comments


Leave comment