12 - જંજાળી ઓર જ છે / શૂન્ય પાલનપુરી


ફૂલોથી પર્ણો ઓર જ છે, પર્ણોથી ડાળી ઓર જ છે,
આ નિત્ય નિરાળા ઉપવનની હરચીજ નિરાળી ઓર જ છે.

જે પુષ્પની સે’જે પોઢે છે એ શ્રમનો મહિમા શું જાણે ?
આ કંટક કેરા બિસ્તરમાં પણ હૂંફ સુંવાળી ઓર જ છે.

ઉદ્યાન સલામત રહી જાશે એ વાતમાં કાંઈ સાર નથી,
એ સર્જક માળી ઓર હતો, આ રક્ષક માળી ઓર જ છે.

ખેલે છે હૃદયના શોણિતથી, સળગાવે છે અશ્રુદીપો ને;
આ વિશ્વમાં પીડિત માનવની, હોળી ને દિવાળી ઓર જ છે.

એક રૂપ ઉઘાડાં પાપોનું, એક રંગ છૂપેલા જુલ્મોનો,
એ ધોળો દિવસ ઓર જ છે, આ રજની કાળી ઓર જ છે.

એક લાશ પડી છે ધરતી પર ને ચંદ્ર કફન ઓઢાડે છે,
તારાઓ રડે છે મોં ઢાંકી, આ રાત અજવાળી ઓર જ છે.

એક રજકણ દ્વારા સૂર્યકિરણની થાય પ્રતીતિ, ઓછું છે ?
તમ સૂરજ કરતાં મુજ ધરતી કૈં ગૌરવશાળી ઓર જ છે.

બ્રહ્માંડ લઈને બેઠો છે શી એને પડી છે માનવની !
હે શૂન્ય ! ન રડજે દુઃખ તારાં, ઈશ્વર જંજાળી ઓર જ છે.


0 comments


Leave comment