72 - પૂજા છે / શૂન્ય પાલનપુરી


બળી મરવું પ્રણય માટે પ્રણયની એ જ શોભા છે,
પતંગાઓ ને દીપક એ ફરજમાં એક સરખા છે.

નમે છે શીશ જ્યાં કાને પડે છે નામ કોઈનું,
અમારી એ જ ભક્તિ છે, અમારી એ જ પૂજા છે.

કદી છે અશ્રુ આંખોમાં, કદી છે બળતરા દિલમાં,
જીવન એક કોર જ્યોતિ છે તો બીજી કોર જ્વાલા છે.

નયન છે ચિત્ર કોઈનું, હૃદય છે વાસ કોઈનો,
અલૌકિક રૂપસૃષ્ટિ છે, અનોખી પ્રેમદુનિયા છે.

કહે છે આંખ જેને, પ્રેમનું એક ચિત્રદર્શન છે,
કહે છે અશ્રુઓ જેને, હૃદયની મૂક ભાષા છે.

મરણ શું છે ? નિરાશાનો વિજય છે શુન્ય આશા પર,
જીવન શું છે ? અધૂરી વાસનાની એક ગાથા છે.


0 comments


Leave comment