2 - અંક ૧લો/પ્રવેશ ૩. બે ભરવાડોનો પ્રવેશ / દલપતરામ


પ્રવેશ —— ૩ જો

$બીજલ રાયકો— (પડદામાંથી નીકળીને ખભે ડાંગ લઇને ચાલ્યો ચાલ્યો આવે છે; અને જેમ ભેંસોના ટોળાને બોલાવતો હોય તેમ લાંબો હાથ કરીને બુમો પાડે છે.) આહે ! ! !ઉ ઉ ઉ ! ! !
( $ કાળો કાંબળો ઓઢેલો, માથે ફાળીયું બાંધેલું, પગની પાનીઓ ભોંયથી લગાર ઉંચી રહે એમ પગના પંજા વડે લાંબા કદમ ભરીને ઉંટની પેઠે ઉતાવળો ચાલતો ભરવાડ આવે.)

પાંચો રાયકો— (સાથે પાડી લઇને પાછળથી આવીને બુમ પાડીને) એ ! ! ! બીજલ, બીજલ, બીજલ હે ! ! ! ઉં

બીજલ૦— (પાછું જોઇને) અલ્યા શું કેસ? પાંચા શું કેસ?
પાંચો૦— અલ્યા ઉભો રહે તો ખરો. એમ નાહી શું જાય સે?
બીજલ૦— હાલ્ય, બેક ઉતાવળો હાલ્ય.
પાંચો૦— (પાસે જઇને) અલ્યા તારી ભેંહો ચ્યાં સે?
બીજલ૦— એ ઉફરાંટે મારગે થઇને ગામની ભાગોળે પૂગી હશે. તારી ભેંહોં ચ્યાં સે !
પાંચો૦— મારી ભેંહો મહાણિઆ માધેવ કને પુગી હશે, અલ્યા! ઓલ્યો ભરામણ આવે સે, તેને ઓળછ્યો કે?

બીજલ૦— ચ્યાં સે ભરામણ?
પાંચો૦— એ ! ! ઓલ્યો વેગળે આવે ! !
બીજલ૦— હું તો એને ઓળખતો નથી.
પાંચો૦— આપણા ગામમાં ઓલો રઘનાથભટ્ટ રસે ને?
બીજલ૦— હા, હા.
પાંચો૦— એનો જમાઈ, હવે ઓળછ્યો કે નહિ?
બીજલ૦— ઓલ્યો રતાંધળો જીવરામભટ્ટ કે?

પાંચો૦— હા, એજ જો!! એજ, ભલો ઓળછ્યો અલ્યા! ભલો ઓળછ્યો !

બીજલ૦— તે બચારો રાત તો આંખે મુદ્દલ ભાળી હકતો નથી તારે શી રીતે એના હહરાને ઘેર જઇ હકશે?

પાંચો૦—ઉભો રે, આપણે એનું બાવડું ઝાલીને, એના હહરાને ઘરે પુગાડીએ. ભલા, ભરામણનો દીચરો સે, આપણને ધરમ થાહે.

બીજલ૦— રઘનાથભટ્ટે દીચરીનો ભવ બગાડ્યો સે. રૂપરૂપના અવતાર જેવી સે, તીને રતાંધળો વર જોયો સે, એ તો કાગડો દઈથરૂં લઇ જીઓ.

પાંચો૦— રઘનાથભટ્ટ શું કરે ? વધાત્રાના લેખ એવા હશે.

રંગલો૦— (પડદામાંથી નીકળીને) ખરે ખરો વિધાતાનો જ વાંક છે.

उपेंद्रवज्रा वृत्त

अरे न कीधां फुल केम आंबे?
कर्या वळी कंटक शा गुलाबे?
सुलोचनाने शिर अंध स्वामी
खरे विधाता तुज कृत्य स्वामी!

પાંચો૦— જીવરામભટ્ટ, પજે લાગું, પજે લાગું.
જીવ૦— આવો રાયકા. આસરવાદ, આસરવાદ.
બીજલ૦—જીવરામભટ્ટ, અતારે અહુરી વેળાના તમે ચ્યાંથી આવ્યા?
જીવ૦— કોણ એ? બીજું કોણ છે?
બીજલ૦— એ તો હું. બીજલ, બીજલ.

જીવ૦— લો ઠીક થયું, ઠીક થયું. અસુરી વેળાનાં કોઈ લુગડાં લઇ જાય, માટે અમે(૧) ફિકર કરતા હતા. અમને રસ્તામાં એક ઠગે ભૂલા પાડ્યા, તેથી અસુર થઇ ગયું.

બીજલ૦— તમે રાતે દેખતા નથી ! રતાંધળા સો કે?

પાંચો૦— બોલ માં, બોલ માં. એને રીહ સડશે, તને બોલતાં આવડતું નથી કહ્યું સે કે —

दोहरो

अंधाने अंधो कहे, वरवुं लागे वेण;
धीरे धीरे पूछिये, साथी खोयां नेण !

જીવ૦— (ગુસ્સે થઇને) મહારંડના ! તું રતાંધળો ! તારો બાપ રતાંધળો ! તેનો બાપ ! અને તેનો બાપ રતાંધળો હશે. (પથરો શોધે છે, ને મારવા દોડે છે.)

પાંચો૦— હું ! હું ! હું ! (હાથ ઝાલે છે.)

જીવ૦— અલ્યા, તું અમને કોણ કહેનારો? અમારૂં ઘર શું જેવું તેવું છે? અમારા ગામમાં બીજા બધા બ્રાહ્મણો તો પછીથી રખડતા આવીને રહેલા, અને અમારૂં ઘર તો કદા—કદમીનું અસલનું છે. અમે હજાર રૂપૈયા ખરચીને દીકરીઓ સારે સારે ઘેર પરણાવીએ છીએ. અગનોતરા કાળમાં અમારો બાપ મરી ગયો, ત્યારે એક રૂપૈયાનું સવાશેર ઘી મળતું હતું, તોપણ અમે કરજે રૂપૈયા કહાડીને આખું ચોખળું તેડાવીને ત્રણ દહાડા સુધી બ્રાહ્મણોને લાડવા જમાડ્યા હતા. તારા બાપ પછવાડે તેં શું કર્યું હતું? બોલ ! બતાવ !

પાંચો૦— જીવરામભટ્ટ, એમ રીહ સડાવીએ નહિ, મરને કેતો, એના કેવાથી શું થવાનું સે?

જીવ૦— અલ્યા! અમારો બાપ વર્ષોવર્ષ શ્રાદ્ધ કરતા હતા, તે દહાડે સો સો બ્રાહ્મણોની પંગત થતી હતી. અમે જેવા તેવા નથી.

બીજલ૦— “મારે મુગલ, ને ફુલાય પીંજારા, ” તેમ તમારો બાપ પૈસાદાર હતો, તેથી તમે આટલી બધી ફૂલ શેની મારો સો?

રંગલો—
दोहरो

भटके उंधे मस्तके, वड डाळे वागोल;
मन जाणे में पग वडे, राख्यो खाली खगोळ. १५

જીવ૦— અરે અમે પણ એના એ છૈએ. બારસેં બારસેં રૂપૈયા ખરચીને ઉંચા કુળમાં દીકરીઓ પરણાવી છૈએ.

બીજલ૦— ( પાંચાને ) આ ખરી વાત હશે ? એની પાહે દહ વીહ હજારની મૂડી હશે?

પાંચો૦— એના બોલવા પરથી જણાયસે કે કાંઇ નથી. જેની પાંહે ધન કે વદ્યા હોય તે આમ ફુલાય નહિ.

રંગલો—
दोहरो

जे पामे जन पूर्णता, ते न कदी फुलाय;
पूरो घट छलकाय नहि, अधूरो घट छलकाय. १६

બીજલ૦— ખરેખરો ફુલણજી સે.

રંગલો૦— રતાંધળો ! ! (એમ કહી નાસી જાય છે.)

જીવ૦— ઉભો રહે મહારંડના. નાશી કેમ જાય છે?

બીજલ૦— તમે ખીજાઓ સો હું કરવા ! હું તો કેતો નથી પણ બીજા લોક કેતાતા કે જીવરામભટ્ટ રાતે દેખતા નથી.

જીવ૦— કોણ કહેતું હતું?

બીજલ૦— અમારા ગામનો એક ભરામણ કેતોતો.

જીવ૦— એનો બાપ રતાંધળો હશે. અમે તો રાતે લખવા બેશીએ તો ત્રણસેં શ્લોક લખી કહાડીએ છૈએ. જો બીજા કોઇએ અમારે મોઢે કહ્યું હોય તો તેના ઉપર ત્રાંગું કરીએ અને માથું ફોડીને તેને લોહી છાંટીએ, પણ તમને શું કરીએ ?

પાંચો૦—રીહ સડાવીએ નૈ, હોય, હાહરીમાં જઇએ, તે કોઈ મહકરી કરે, ટોળ કરે તો મોટું પેટ રાછીએ.

રંગલો૦— સસરાની શેરીનું કુતરૂં કરડવા આવે, તો હાડે કહીએ નહિ.

જીવ૦— તમે અમારા સાસરાના ગોવાળ છો, માટેજ અમે સાંખી રહીએ છૈએ. નહિ તો અમે લગારે સાંખી રહીએ એવા નથી.

પાંચો૦—હાલો, બેક ઉતાવળા હાલો. અમારી ભેંહો જાતી રહે. હવે રાત પડવા આવી.

જીવ૦— રાયકા લાવો જોઇએ તમારો હાથ જોઉં.

પાંચો૦—મારા હાથમાં શું જોહો?

બીજલ૦—મારગ હુજતો નથી, ને ફાંફાં મારતો હાલે સે, માટે તારો હાથ ઝાલીને હાલવું હશે.

જીવ૦— તમેને એવો વહેમ હોય તો અમારે તમારા હાથની કાંઇ ગરજ નથી. અમે તો તેનું નશીબ કેવું છે, તે જોવા સારૂં હાથ દેખાડવાનું કહીએ છૈએ.

પાંચો૦— જુઓ જીવરામભટ્ટ મારૂં નશીબ ચેવું સે વારૂ?

જીવ૦— આ અનામિકા, એટલે ત્રીજી આંગળીના ઉપલા વેઢા કરતાં છેલ્લી આંગળી વધારે લાંબી છે. માટે તમે તમારા બાપ કરતાં વધારે સકરમી છો.

બીજલ૦— ખરેખરૂ કીધું અલ્યા ! તારા બાપની વખતમાં આટલી ઘરાગી તમારે ચાણે હતી?

પાંચો૦— આ ગામની પછવાડે ઘરાં સે, તેના દીવા દેખાણાં.

બીજલ૦— હા, ખરા. કેવા સારા દીવા શોભે છે ! જુઓ.

જીવ૦— જીવરામભટ્ટ, એ બે દીવા તમે દેખો સો કે? (નાટકના સ્થળમાં નજદીક દેખાતા હોય દીવા કહેવા.)

જીવ૦— હા એક આ રહ્યો, ને એક આ રહ્યો. (બીજી તરફ બતાવે છે.)

પાંચો૦— એણીમેર દીવા ચાં સે ? દીવા તો આમ દેખાય સે.

જીવ૦— હા, હા હું પણ એજ તરફ કહું છું તો અને પેલો ઝીણો દીવો વેગળે દેખાય છે, તે સુદ્ધાં ત્રણ દીવા અમે દેખીએ છૈએ.

પાંચો૦—(દીવા ગણીને) બે દીવા તો હું દેખું સું, અને ત્રીજો દીવો તો આટલામાં ચાંઇ દેખાતો નથી.

જીવ૦—આ તરફ જુઓને. એ, રહ્યો ત્રીજો દીવો.

રંગલો—{હળવે(૨) તારાબાપનું કપાળ છે, તે તરફ તો ચાલતાં અડવડીયાં ખાય છે, હાથ ઝાલીને ચાલે છે, ને વળી ખાલી ઢોંગ કરે છે.

બીજલ૦— હાલ્ય પાંસા, આપણે તો ઝટ ધરે જઇએ. એ તો અથડાતો અથડાતો આવશે.

પાંચો૦— (જીવરામને) હવે અમે તો ઉતાવળા ઝટ ઘર જાહું.

જીવ૦— અમારા સસરાની ભેંસ કેઇ? અમને દેખાડો તો ખરા. જોઇએ તમે ચરાવીને કેવી તાજી કરી છે ?

પાંચો૦—ભેંહ તો આગળ જઇ, પણ આ તમારા હહરાની પાડી સે તે જુઓ.

જીવ૦—ક્યાં છે ક્યાં છે? (ફાં ફાં મારે છે.)

પાંચો૦— એ આ રહી. જુઓ સે માતેરી ?

જીવ૦— વાહવાહ ! અલ્યા પાડી તો સારી છે હો! અમારી સાસુએ અમારી સાળીને ધવરાઇને જેવી મસ્તાની કરી છે, તેવી તમે પાડીને કરી છે(ઉપર હાથ ફેરવીને પૂછડું પકડીને ચાલે છે. પગ આડાઅવડા પડે છે.)

પાંચો૦— તમારા હાહરાને ઘરે તમને પુગાડીએ ?

જીવ૦—કાંઇ પહોંચાડવાની જરૂર નથી. હવે તમારે ઉતાવળા જવું જોય તો જાઓ. ગામ ઢુંકડું આવ્યું છે માટે હવે કોઇ લૂગડાં લઇ જાય એવી બીક નથી, અને હવે તમારી અમારે લગારે ગરજ નથી.

પાંચો૦—(બીજલને) મારગને અડખેપડખે ઉંડો ખાડો સે, તેમાં જવાની પાડીને ટેવ સે, માટે તેમાં પડશે તો બચારા ભરામણને વાગશે.

બીજલ૦— ભોગ એના, આપણે શું કરીએ?

રંગલો૦—
उपजाति वृत्त

मिथ्याभिमानी सिर दु:ख आवे,
कदापि लोको करुणा नलावे;
जो सर्पने कोइ बिलाडी बाझे,
देखी घणा लोक दिले न दाझे१७

(પાંચો ને બીજલ જાય છે.)

જીવ૦— હવે ઠીક થયું. આ પાડીનું પૂછડું પકડીને ચાલ્યાં જઈશું એટલે ઠેઠ સાસરાને ઘેર જઇને ઉભા રહીશું; અને વલી કહીશું કે, આ તમારી પાડી વગડામાં જતી રહેતી હતી, તે અમે હાંકી લાવ્યા; નહિ તો તેને કોઈ લઈ જાત કે વાઘ મારી નાંખત.

રંગલો૦—(તેની ચાલ જોઇને) આંધળો તો આંધળો; પણ વળી લૂલોય દેખાય છે.

જીવ૦— (પાડી ખાડમાં ઉતરતાં પોતે પછડાયા) અરરર! કુલો ભાંગી ગયો ! હાય ! હાય ! હાય!

રંગલો૦— પડે લૂલો ને ભાંગે કુલો, પણ લીધી વાત ન મેલે લૂલો.

જીવ૦— આજ કોઇ નઠારાનું મોં જોયેલું, તેથી હેરાન થયા. પેલા મિજાજભાઇને શિષ્યભાવે રસ્તો પૂછ્યો નહિ, તેથી જરા રાત પડી ગઈ, અને આટલી પીડા ભોગવવી પડી. અરે ! ગોવાળ સાથે ગયા હોત, તોપણ ઠીક હતું. હશે, હવે પાઘડી તો સવારે શોધી કહાડીશું. જે થયું તે ઠીકજ થયું. રાતની રાત અહીંજ સૂઇ રહીશું. દહાડો ઉગશે એટલે તો આપણે સાત પાદશાહના પાદશાહ છૈએ. (ઉંઘી જાય છે, અને નસકોરાં વગાડે છે.)
(પડદો પડ્યો.)

(પાત્રોની ગોઠવણ થઇને પડદો પાછો ઉઘડે, ત્યાં સુધી ગાનારા પેલું પદ ગાય છે “મેલ મિથ્યા અભિમાન, મનવા, મેલ મિથ્યા અભિમાન” ઇત્યાદિ.)
<——૦——>

નોંધ –>

(૧) અભિમાની પોતાને “હું” એમ કદી કહે નહિ, અમે કહે.
(૨) રંગલાને હમેંશા જે વાક્યનો જવાબ મળવાનો ન હોય, તે વાક્ય તે આડું જોઇને બોલે.


0 comments


Leave comment