11 - કાવ્યરિક્ત દિવસો / રઘુવીર ચૌધરી


યાદ કરું : કાવ્યરિક્ત દિવસોનો
રાગશૂન્ય અનુભવ.

સંવેદનહીન મુજ ખાલીખમ
ઇતિહાસ જોઈ રહું.

જન્માંધનું સ્વપ્ન - -
એક માત્ર અંધ સ્પર્શ,
નહીં રંગ, નહીં રેખ,
સહુ આકારોનો અવરોધ.

ગાંધારીનાં યુવા નેત્ર બીડી ઊભો
એક અંધ કાળ,
બહિર્વિશ્વ વચ્ચે બની આવરણ
રૂંધી રહે દાયિત્વનો ભાર,
જડ સહુ સૌંદર્યનાં સિંહાસન.

ઉદાસીન અંતરથી
સમયમાં ભળી જાઉં.

તૃણાંકુર ઝાકળમાં પૂરી રહે
ધરતીનો રંગ.
મુખ આંખે વરતાય શીકરદુકાળ.
કળીઓનો ધવલ વિકાસ –
વીસરાયો કાગળને ચિરંજીવ ફૂલ.

નિજ છબિ નીરખીને બકી કરે બાળ,
અકળાઉં જોઈને હું પ્રતિબિંબ.

માણસોના આકારોનાં ઉપવન દેખું અને
રસ્તાઓનાં ગીચોગીચ અરણ્યને પાર કરું.
હું જ મારાં પ્રતિરૂપ છૂંદી રહું.
પૂર્વ દિશા પાસ તહીં ઝીલ પર
સરી જાય મરાલની ડોકના વળાંક,
અચાનક અકળાય ભીતરના
પ્રદર્શનબદ્ધ કૈંક કાળા, ઝાંખા રાજહંસ.

ગગનમાં ગતિલય ભરી જાય
બલાકાની વિવિધ કતાર.
નયનમાં અવતરે પરસ્પર છેદનાર
વલયના સંકુલ વ્યાપાર.

ચિત્ત મુજ વિશ્વાકાર
કિન્તુ લહ્યો નિહારિકાઓનો
મેં તો સતત અભાવ.
છાયાપથ શોધવાનું છોડી દીધું.
લેઝેરસ ! આવ, તને જોઈ રહું.
ગુમાવવા નથી મુજ પાસ કશું.

૧૯૬૪


0 comments


Leave comment