22 - ફલશ્રુતિ – ૬ ઋત : વેદના / રઘુવીર ચૌધરી


ખપે હવે નિરાકાર પ્રેમ.
કમલપત્રની ધારે સરકીને
સમગ્રમાં શમી જતો ઝાકળનો પ્રેમ.
ઝાકળના એકેએક એકમમાં
ઝબકતો પ્રભાતના સૂરજનો પ્રેમ.
પ્રભાતમાં યમુનાનાં નીર ઝળહળે,
કદંબની ડાળ થકી વેણુરવ ઝરે.

વેણરવ, ગોધૂલિ ને જનપદ.
જનપદ, પર્ણકુટી, ગુફા.
ગુફાઓ ગરમ અને ધરતી તો આગ.
પૃથિવી ના, સૂરજનો અવિચ્છિન્ન ખંડ.
છિન્ન થતો ખંડ જોઈ
નિકટની નિહારિકા
પ્રબળ ચિત્કાર કરી ઊઠી હશે.
જ્વાળાઓની વચ્ચેનો જે અંધકાર,
કંપી કંપી બળ્યો હશે.
અન્યથા આ આપણી ધરા ઉરે
દગ્ધ અંધકાર ક્યાંથી હોય ?
તેજ ને તિમિરની બે પરિસીમાઓમાં
બદ્ધ અસ્તિત્વને
વેદનાનું ઋત ક્યાંથી હોય ?
મારા અસ્તિત્વને વેદનાનું ઋત !
સમયનાં શત-શત આવરણ ભેદી
મને વેદના જ લઈ જાય
ગૌતમ રાજપથે.
આપણા સહુના ચિર વિરહ ભીતરે.

સૌંદર્ય હે, વેદના હે પ્રેમ


0 comments


Leave comment