1 - નિવેદન / રઘુવીર ચૌધરી


સૃષ્ટિના સંપર્કના પહેલા દસકાથી જ શબ્દને લયબદ્ધ કરવાની લીlલામાં કેમ પ્રવૃત્ત થવાયું હશે એનો કોઈ સકારણ ઉત્તર મળતો નથી. શું થાય છે એ જોવાનું આ માત્ર કુતૂહલ હશે ? પાછળ પાછળ ખેંચાઈ આવેલા રાજકુમાર ચંદ્રાપીડને, કિન્નરયુગલ પર્વતની પેલી પાર અદ્રશ્ય થઈ જાય છે ત્યારે લાગી આવે છે કે હું નાયક ખેંચાઈ આવ્યો. અને ત્યાં જ એને પેલા અચ્છોદ સરોવરનું દર્શન થાય છે - - વિસ્મયની સૃષ્ટિ સાક્ષાત થાય છે. પણ દરેક ખેંચાઈ આવનારને કે ખેંચાઈ આવનારને દરેક વખત વિસ્મયની સૃષ્ટિ સાક્ષાત થાય એવું બનતું નથી. આ અનિશ્ચિતતાનો પડકાર ઝીલીને સાહસ કરવાનું હોય છે, એટલે કે દર વખત આરંભ જ કરવાનો હોય છે.

ખેંચવાનું તો હોય છે અસ્તિત્વ સમગ્રથી પણ પ્રવેશદ્વારે પહોંચ્યા પછી સંપ્રજ્ઞતાને દ્રિગુણિત કરવી પડે છે : (ખેંચાણમાંથી પહેલાં તો મુક્ત થવાનું હોય છે. ) ૧. પ્રાપ્ત થાય તો unconscious awareness અને ૨. પોતાના હાથની વાત છે તે એકથી બીજા શબ્દ સુધી પહોંચવામાં સંપૂર્ણ સાવધાની. સાવધાનીથી એટલે કે અપ્રગટ સતર્કતાથી શબ્દ પાસેથી કામ લેવાનું હોય છે. એમ કરવા છતાં ઘણીવાર કશું કામ થતું નથી અને અંતે આરંભના વાસ્તવજગતમાં પોતાને પાછા ફેંકતા જોઈ રહેવાની લાચારી ભોગવવી પડે છે. તોપણ વ્યક્ત થઈ ન શકેલી અનુભૂતિઓ તો જમા પાસે છે જ, તેથી ખેંચાઈ જવાની વિવશતા ટકે છે અને વળી કદાચિત્ વેદના અને આનંદમાં જ્યાં કશો ભેદ નથી એવા સમયમાં પહોંચી જવાય છે. Turning blood into ink ની મથામણ શરૂ થાય છે. કાવ્યસિદ્ધિ આકસ્મિક હોય છે એમ ન કહીએ તોપણ એટલું તો સ્વીકારવું જ પડશે કે પ્રયત્નના પ્રમાણમાં અહીં પરિણામ નથી. આ ક્ષેત્રમાં તો પહોંચવા ઉપરાંત ચાલવાનો આનંદ છે. ‘ક્યાં છે કવિતા’ એ પ્રશ્ન તો સહુનો સહિયારો છે પણ પ્રાપ્તિ તો પ્રત્યેક પ્રયત્નમાં છે - - કવિતાએ રચના-પ્રક્રિયા દરમ્યાન મને પૂરેપૂરો રોકી રાખ્યો હોય છે. એ ક્ષણોમાં એકાગ્રતાથી જીવવાનું બન્યું છે. મિત્રોને ઘણીવાર પૂછ્યા વિના જ મેં કહ્યું છે - - આ લખવું એ જીવવાનો પ્રયત્ન નથી તો બીજું શું છે ? આજેય લાગે છે કે પૂરેપૂરા રોકી રાખી શકે એવી ક્ષણો સાંપડતી રહેશે ત્યાં સુધી મારો અભિપ્રાય એક જ રહેવાનો છે - - અહીં વેદના છે તેથી સમ્બન્ધ છે તેથી સૌંદર્ય છે....

રાજશેખરે કહેલું કે પહેલાંના જમાનામાં વાલ્મીકિ નામે જે કવિ થઈ ગયા અને ત્રીજા અવતરે ભવભૂતિ તરીકે જે ઓળખાયા એ જ હવે છે રાજશેખર – स वर्तते सम्प्राति राजशेखर. રાજશેખરની આ આત્મીયતા પ્રશસ્ય છે પણ પોતે જે ઉચ્ચાર્યું તે શું છે - - किमिंद व्याहुंत मया વાલ્મીકિનો એ પ્રશ્ન લખનાર માટે પ્રશ્ન જ રહે એમાં ખરી મજા છે, શોક શ્ર્લોકત્વને પામ્યો છે કે નહીં એનો નિર્ણય કરવા બેસનારાઓને રોકવાનું કે પ્રોત્સાહન આપનારનું કામ લખનારનું તો નથી જ. એ ઇચ્છે તોપણ પોતાના શબ્દની બહાર એ હાથ લંબાવી શકતો નથી. એને તો અનુપસ્થિતિમાં જીવવાનું હોય છે - - કદાચ એમ પણ નહીં, જે ઉપસ્થિત છે - - પ્રસ્તુત છે એ શબ્દે જ જીવવાનું હોય છે, કોઈક અજાણ્યા હૃદયમાં.....

૧૯૬૭
રઘુવીર ચૌધરી


0 comments


Leave comment