2 - વ્રજ વેરાન / રઘુવીર ચૌધરી


જોજનલાંબો સૂનકાર ને વનરાવન વેરાન,
પંથહીનપદ વહે વેદના સરકી ગયું વિતાન.

હવા ઉદાસી બંધ નજરની, પડ્યું બા’વરુ ઘાસ,
વાદળછાયું મૌન ધરાનું અકળવિકળ આકાશ.

પુષ્પ ખીલ્યાં પણ પર્ણ ઉદાસી ઢળી પડેલાં પડખે,
પોતાને ખરતા પીંછાને પંખી પડતું નીરખે.

ઊડી ગએલો પરાગ અમિયલ સપન ક્યાંય ના ફરકે,
એકલતાની પાંપણ પર એ આંસુ બનતું સરકે.

પ્રીતવછોયાં વાછરડાં ઘૂસર સંધ્યામાં ભટકે,
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે.

તરસ્યાં તરણાં સૂર વિના, આંતરડી સહુની બળતી,
આવનારની દિશા આખરે ખાલી નભમાં ભળતી.

ગોપી ને ગોપાળ હવે અણજણ લોક શાં ફરતાં,
વ્યાકુળ મૂંગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં.

કોક કામળી, કોક બંસરી, કોક અધૂરું ગાન...
બધું ગયું વીસરાઈ, એકલું ટકી ગયું વેરાન.

૧૯૬૫


0 comments


Leave comment