36 - ઇતિહાસ / રઘુવીર ચૌધરી


પૂર્વાપર આગ્રહોનાં થીંગડાંથી સાંધેલા
ઉપરણા નીચે હવે ચાલવું નથી.
તું શરૂ થયો તે પૂર્વેનો માણસ
મારે તો ઓળખવો છે ઇતિહાસ !
તું છે વ્યાપક ભ્રાન્તિ, કેવળ ભ્રાન્તિ.

તને તો તું છે (!) તે સિવાય
આગળનું કશું દેખાતું નથી,
સૂરજને તો પ્રભાત દેખાય.
પ્રકાશબિન્દુથી વિકેન્દ્રિત થતા રંગોએ
અમને રંગ્યા હોત તો ભલે.
પણ તેં તો અમને હતા તેય રહેવા દીધા ?
વાર્ણિક, પાર્શ્વિક અને ઉચ્ચાવચ
ભેદોથી ખંડ... ખંડ,,,, અરે –
ત્રિજ્યાઓના ટુકડાઓ વડે
ક્યાંના ક્યાં ફેંકી દીધા ?
ફરીથી કેન્દ્ર શોધતાં કેટલી, હજુ કેટલી
વાર લાગશે તેની મને કે તને ખબર નથી.

તારી વિસ્તૃત છાયામાં ચમકતા પથ્થર
છે ચિરંજીવી ભયના સંકેત.
કીર્તિલેખ ભાસે છે બધા
બહુજનના પરાભવનું સ્મારક.
તારા આનંદોત્સવ પ્રતિ મીટ માંડતા જ
મારા કાનમાં ગુંજે છે ચૂડેલોની નૃત્યુલીલા.
અમારાં ભસ્મીભૂત સપનાંની રાખ ફૂંકતો
તું ક્યાં લગી ઠાવકો થઈ પડી રહીશ ?

સુવર્ણરંગી ભૂરકીથી મૂર્છિત કરીને
અમારા દ્વારા જ તેં કરાવી
ઉપેક્ષિત દર્દોની વિડંબના.
હે પ્રવંચક ! તારી પીઠ નીચે દબાઈ ગયેલા
યુગો મારી કીકીમાં અકળાઈ રહ્યા છે.
હે જાદુગર ! રાજકુમારીના સ્વયંવરમાં
કે રાક્ષસોના વધમાં મને લેશમાત્ર રસ નથી.
હે માયાવી ! યુદ્ધના શંખનાદથી મદાંધ થવું
એ મારા પૌરુષની કસોટી નથી જ નથી.

તારા કરાલ દંષ્ટ્રાધરમાં ઈસુ, ગાંધી
અને અનેક લિંકનોનું સ્થાન
મારાથી સમજાતું નથી.
તું ખસી જા, નહીં તો બાકીના અડધા
પગલા વડે તને પાતાળ ભેગો કરીશ,
તું ખસી જા.
મારે સામી દિશામાં જવું છે.

૧૯૬૪


0 comments


Leave comment