19 - ફલશ્રુતિ – ૩ પૂર્વાવસ્થા / રઘુવીર ચૌધરી


પવન શા પુરાતન અમે.
પુષ્પ સમા ક્ષણિક ને
સૌરભ શા ચિરંતન
ક્ષણમાં વસેલ પેલી ચિરંતન
તથતાને જીવનાર,
વારંવાર વિતથને
અનુભવી, ઓળખીને
અળગા થનાર :

ચિત્ત હોય તો પછી તો
સંપાતિની જેમ ઊડી
તેજ સામે,
બળવું ના.

અધિકની આકાંક્ષામાં
ધરા-આભ વચ્ચે
કરી ઉચ્ચાવચતાનો ભેદ
ત્રિશંકુનું પરિણામ પામવું ના.
રાવણના દેશનાં સમિધમહીં
એક સીતા આગ સહે.
સંશયાત્મા રામ જીવે દ્રૈત.
દ્રૈત એટલે જ યુદ્ધ.
શાશ્વત એ વૈશ્વિક યુદ્ધની
નિજ પ્રતીતિથી દૂર રહી
પ્રમાણી ના અનિવાર્યતા
તો પછી કરી અશ્વત્થામા બની
ન્યાય કરી દેવા નીકળવું નહીં.
અઢાર અઢાર દિન ઓછા નથી.
કુરુક્ષેત્રે
મૃત્યુમ્લાનમાં પવનોનાં પ્રેત ભમે.
સુદૂર અરણ્યમહીં
નતશિર એકલવ્ય મૂક.
સામે ગુરુમૂર્તિ
છિન્ન અંગૂઠાનો કંપ જોઈ રહે.
કુટિરને દ્વાર ઊભા હરણની
ક્ષમાહીન આંખ રડે.
તરુપર્ણ હવામહીં સમસમે.
કેટલાંક સ્મરણોના સૌંદર્યને
પક્ષઘાત....
અરે, જેણે આત્મવંચના ન કરી
એવો એકે યુધિષ્ઠિર મળ્યો નહીં.
પોતાને મૂકી કર્યું અન્ય સામે યુદ્ધ !
છતાં આજ લાગી યુદ્ધની કથાઓ
બધી રમ્ય રહી !
યુદ્ધની કથાઓ હવે રમ્ય નથી.


0 comments


Leave comment