61 - સ્વપ્નકથા / રઘુવીર ચૌધરી


આજે પ્રભાત ઊઘડે મુજ બંધ આંખે,
પૂર્વી હવા મૃદુલ કંપ-વિકંપ મૂકી
ચાલી જતી, ગતિ બિડાય વિહંગપાંખે.
ઓળંગતી સમયને ગત, એક છાયા
ઝૂકે અવાચક અચંચલ સ્વપ્ન-દ્વારે.

પૂર્વી હવાની લહરી પ્રસરે ફરીથી,
જાગે ઉજાસ વીસર્યો, અનિકેત પેલી
છાયા અનાવૃત બને, પળમાં પ્રકાશે
ચ્હેરો સુદૂર, લહું રમ્ય રહસ્ય જેવો
અંગાંગમાં અલસ ભાવ વ્યતીત કેરો
ને ઓષ્ઠમાં તરલ મૌન વિદાયવેળા
જે પુષ્પકોષ પર અંકિત થૈ ગયેલું.

આવે સમગ્ર લઈ સાથ હવા અને એ
બે આમ્રમંજરી ધરે, તરતો સુગંધે
હું જાઉં સંનિકટ ત્યાં ઊડતાં વિહંગો.

સૌંદર્યને – પ્રિય તને અહીં પામવાને
વાંછી રહું સપન હું ત્યજી જાગૃતિને.

૧૯૬૫


0 comments


Leave comment