51 - શ્રી કૃષ્ણશાસ્ત્રીને / રઘુવીર ચૌધરી


(તેલુગુ કવિ, કેન્સર ઑપરેશનમાં જેમનો અવાજ ગયો)

સાગરમાં ડૂબી ગયેલા
મંદિરની ઘંટડીઓ વાગતી
હું સાંભળું છું.

ઊંડે ઊતરી ગયેલો તમારો અવાજ
ઊપસી આવે છે મારી નીરવતામાં.
મરીનાનાં મોજાંનું શ્વેત સ્મિત
હવે સાચવશે અંતર્મુખ છીપમાં.

મોતી અને મારી વચ્ચે
ભલે રહ્યો જલભર્યો અંધકાર.
મેં અનુભવ્યો છે એ આંખોમાં
આખા આકાશનો ઉજાસ.
એ ગભીર શૈશવ,
એ તરલ વાત્સલ્ય,
અણજાણને સાંકળતું એ અસ્તિત્વ.
સંગત છે સાગરતીરે
હિમગિરિના શિખરનું મૌન.

મરીનામાં એક બીજું મંદિર
ડૂબી જશે ત્યારેય
હું જાણું છું કે
તરશે એનું સંગીત.

૧૯૭૧


0 comments


Leave comment