32 - ઇચ્છામતીને તીરે / રઘુવીર ચૌધરી


ઇચ્છામતીને તીરે
આજે ઊગ્યો જ નહિ સૂર્ય,
કવિ રવિ ! અહીં ‘ક્ષુધિત પાષાણ’ના
સર્જન-સ્થળે વિવશ બેઠાં બેઠાં
મારે તો જોવો રહ્યો અંધારામાં આવૃત
આમાર સોનાર દેશ.

થોડાંક વર્ષ પહેલાં
મોસાળમાં આવ્યા ત્યારે
શેખ મુજિબુર રહેમાન મૂકી ગયેલા
સિલહટની ટેકરીઓનું મધુ,
ક્યારે ચૂકવી શકીશ હું એ પ્રીતનું અહેસાન ?
એમની વાણીમાં મેં જોયું છે
અભયનું વરદાન, એ જ
તમારી કવિતાના સૌંદર્યનું સંમાન !

પદ્માના ગંભીર પ્રવાહ પર
મંદ મંદ તરંગાતી ચાંદનીમાં
સઢ ભરી ઊડતી તમારી નૌકાનું નર્તન
આજે અંધારામાં આવી જતું યાદ,
ત્યાં એકાએક કાને પડે
નવજાત શિશુને ખોતી માતાનો સાદ !

આ માણસનેય લાગ્યો છે કેવો
રહી રહીને પાગલ થવાનો અભિશાપ ?
નહીં તો એ પોતાની જ સૃષ્ટિમાં
ઇચ્છે ખરો મૃત્યુની અતિવૃષ્ટિ ?
તોય હું કહું કે
દટાઈ નહીં જાય માનવીનું સર્જક મન.
ચિત્તગોંગની ગિરિમાળામાં
ફૂટતા વાંસના અંકુર
એની તળેટીઓને ક્યારેય નહીં થવા દે નિર્જન.

આજ પદ્મા કે મેઘનાને કહી શકતો નથી :
‘હે નદીઓ ધીરે વહો !’
ભલે તૂટી જાય સઘળા શસ્ત્રવાહક સેતુ
ને ધોવાઈ જાય બલકમદારોનાં પદચિહ્ન.
ભલે ભૂંસાઈ જાય હમણાં
કુંવારા રુધિરના અગણિત ડાઘ.
મુક્તિવીરો એ વાવેલી એમની કાયાઓ
ક્યારેક તો ઊગશે જ એ ઊર્વર ભૂમિમાં,
અને ત્યારે સ્મૃતિમાંથી સરી આવીને
ઊપસી આવશે એક રક્તતિલક પ્રાચીના ભાલમાં.
કવિ રવિ, એના ઉજાસમાં
ગાઈશ હું તમારું ગીત :
‘મરિતે ચાઈ ના આમિ સુન્દર ભુવને’.

રવીન્દ્ર પુણ્યતિથી
૧૯૭૧


0 comments


Leave comment