20 - ફલશ્રુતિ ૪ – નિયતિ ? / રઘુવીર ચૌધરી


અમે અમારી આગ આભને ચાંપી.
અંતરીક્ષની નિર્જનતાનો ભંગ કરીને,
યુગયુગને અંધાર સામટો આણી
એમાં આગ છુપાવી ઊડ્યા,
ઊડ્યા કાળપુરુષની સામે.
અમે હ્રદયને નીચે મૂકી,
આગ આભને ચાંપી.
ને રે વિસ્ફોટ,
અરે જે સૌમ્ય તેજ
તેનો કેવો ચિત્કાર –
દુભાવ્યાં નક્ષત્રોને,
સપ્તર્ષિને ઝાંખા પાડ્યા,
સાગરને આઘાત કર્યો,
એ રુદ્રઘોષ વડવાનલ થઈને છલક્યો,
ધ્રૂજી ધરતી, સંચિત અભિશાપ ફાટ્યો ને
ભડકે ભડકે સળગ્યા ચહેરા....
ધરતીની ઊંડી ખીણોમાં દર્દ સાચવ્યું
અયુત વર્ષનું, આવ્યું થઈ અંધાર,
અમારી આંખોનો અવકાશ પૂરવા.
ભીની માટીને ઉર જે નિત કૌતુક ઊગતું,
આજ બનીને અંકુર એ ના ફૂટ્યું.
તરણાંની ટોચે બેસીને
ઘેરો લીલો ભાવ ફરફરે સદાકાળ જે,
આજ ભયાતુર.
ચિત્તચિત્તમાં ફાટી ધરતી,
ફૂટ્યાં સપ્ત પતાળ....
વીજ શી ચીસ ચીરતી આભ.
ધ્રૂજતી આંખો, પાગલ હાથ....
પવન-ઝપાટે ઝૂલ્યાં અંગો
ડોલ્યાં ભીતર નીર....
તરતા ડૂબતા, ડૂબતા તરતા અમે
જ્યારથી આગ આભને ચાંપી.


0 comments


Leave comment