30 - આથામતો સૂરજ / રઘુવીર ચૌધરી


નદીકિનારે છું પણ વચ્ચે દીવાલ છે.

આ પશ્ચિમ કાંઠે હમણાં એવી નિરાંત કે
બસ આથમતો સૂરજ બે પળ દેખાય.

જુએ છે કોણ ડૂબતી નદી
નીરમાં સૂરજનું પ્રતિબિમ્બ ઝીલવા
આકુળવ્યાકુળ થાય કદી
કે એય ઓઢતી ધૂણીનો ઓથાર.

મને ના ભાર કશાનો.
જાગી જાગી જાઉં ઊંઘી
ને આવનજવાન અંધારાની અંદર ચાલે,
ચહેરા પર ફેંકાય પ્રકાશો વિસ્ફોટોના,
બે પળ માટે બુઠ્ઠી થઈને નજર નીરખે
આગળ પાછળ એનું એ અફળાય.

બેઠો બેઠો ફરું બધે
ને પડઘા પાડું પરશબ્દોના.
બોલું એ તો હું જ સાંભળું.
આમતેમ હું જીવું ચેનથી,
યોગી જેવો રહું ઘેનથી.

મેં વાવેલાં સપનાં ઊગે નદીકિનારે
દીવાલ થઈને.
છાયા એની રહે નિરંતર.
તનને કાંઠે મન મૂકી હું
જોઈ રહું આથમતો સૂરજ.

૧૯૭૧


0 comments


Leave comment