41 - સર્જન / રઘુવીર ચૌધરી


દ્વાર ખોલીને પ્રભાત શોધવા
નદીતીરે પહોંચું છું,
તંદ્રાછાયા ઢોળાવ પર
ચરણની ગતિને નિર્બંધ કરું છું.
અર્ધજાગ્રત જળના સ્પર્શથી રોકાઉં છું.
પ્રલંબ પટની સામી પારનાં વૃક્ષ અનભિજ્ઞ છે.
નદીની સંનિધિમાં મારા જેવા કોઈ પડછાયાને
એમને જોયો નથી.
હું હવે સ્થિર થયો છું.

દૂર દેશાવરની સંધ્યાઓ પછીના
સમયનું તામસ પ્રવાહી પીને
ઘેનભરી ગતિથી નદી મારી સમક્ષ
સરકી રહી છે.
એક તરતા પાંદડા પર જોઉં છું પ્રકાશકણી.
બુઝાય છે ક્ષણાર્ધમાં એ.
વહી જતાં પાંદડાં પર
તારકોના પ્રતિબિમ્બ સમા આગિયાનો ઝબકાર
મારી સ્રોતસ્વિનીની સપાટી પરનાં
અનેક પાદડાં પર
અસંખ્ય આગિયાઓને મૂકી દે છે.

અને એમના ક્ષણભંગુર તેજમાં
કોઈ વટપત્ર પર લોચનનું
કાજળ લઈને કંઈક લખતી
અને આખરે નખ વડે પ્રિયતમનું
નામ કોતરતી કોઈ કન્યાકાના
સ્મરણથી હું સ્વપ્નમાં - -
મારા સ્વપ્નની વાસ્તવિકતામાં
સરકી જવા કોઈ વૃક્ષની છાયા
શોધું છું. છાયા નથી.

ગંભીર તમિસ્ત્ર પાલવમાં
સકળ છાયાઓ સમેટાઈ ગઈ છે.
એમાંથી કોઈને સંકોરીને
પ્રત્યક્ષ કરવાની કળા
હું શીખ્યો નથી. તેથી
જાગૃતિની સંકડાશમાં જ
હું મારા અનુભવનું સત્યમાં
રૂપાન્તર કરવા મથું છું.

આ ભૂમિને અંગાંગ સોંપી દઈને
આ નદીનાં અવાચક શીકરોનો
સ્પર્શ પામતો
કોઈ સતતવાહી નિદ્રાને ઓઢીને
હું પોતાને વીસરી શકું તેમ નથી.
તો ભલે, આ જાગૃતિની સંકડાશમાં જ
નિદ્રાધીન હવા, પંખીઓ અને
અર્ધજાગ્રત જળની વાણીનું
સત્યમાં રૂપાન્તર કરીને
આનંદનું સર્જન કરું.
હવે તો હું મારા મકાનમાં પણ
પ્રભાતનું સ્વાગત કરી શકીશ.

૧૯૬૫


0 comments


Leave comment