58 - અંકે શિશુ / રઘુવીર ચૌધરી


સૌંદર્ય શાન્ત અભિરામ : જરા વધારે
બેસી રહો; નીરખવાં હજી આજ મારે.
પૂર્વે, અધીર તવ લોચનનાં વિવર્ત,
આગ્નેય સ્પર્શ ઋજુ અંગુલિનો અકસ્માત્
હિલ્લોળ બેફિકર પાલવની કદાચિત્
આશ્ર્લેષ આક્રમણ શો ભુજબંધ કેરો.

આજે ગભીર સહુ ચંચલ ભંગિમાઓ,
ખામોશ ઓષ્ઠ, નજરું મધુપર્ક માત્ર.
આવું નજીક ? હલશો નહિ ને જરાયે ?
કાયા સુકોમલ મને જ નવાજવા દો.
ચૂમી ભરીશ નમીને અતિ લોલ ભાલે
અંકે અધિષ્ઠિત મુલાયમ સ્વર્ગને હું.

૧૯૬૩


0 comments


Leave comment