9 - અસ્તોદય / રઘુવીર ચૌધરી


આભમહીં અવનિના અંબળાયા નિસાસાના
ઊપસેલા ખાંપણ પે આવી બેઠો ચાંદ,
પીતવર્ણ ચાંદનીનું આવરણ.
અંધકાર સાંધી રહે ધરા-આભ.
રૂંધાયેલ ગળે થાય સમય પસાર.

જલમહીં ડૂબી રહ્યા તમસને આંતરવા
સજી રહી ઉગમણી ઝાંય.
ધરતીનો ટેકો લઈ પ્રભાકર કૂદી પડે બ્હાર.
નિસ્તરંગ હવાઓની દીવાલોમાં પુરાયેલી
ક્ષિતિજની હાલી ઊઠે કાય.

અંતરાલ મુગ્ધ બની તાકી રહે અરુણિમા,
ઝમી રહે બારીક નીહાર થકી પ્રીત,
તૃણાંકુર ચૂમી બેસે ઝાકળને
કળીઓની શિરાઓમાં સુરભિત હલચલ,
લતાઓના હોઠ હસી જાય.
તારાઓની હયાતી અલોપ થાય તેજમહીં.

૧૯૬૩


0 comments


Leave comment